દુકાનોમાં થતી ચોરીઓ

શોપલિફ્ટિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારા અંગે સમગ્ર યુકેના નાની દુકાનોના માલિકોએ ચિંતા વ્યક્ત કરી પોલીસ પ્રતિસાદના અભાવ અને ગુનેગારોમાં મુક્તિની વધતી જતી ભાવનાને મુદ્દાના આગળ ધરીને આકરાં પગલાં લેવા માંગ કરી છે.

સાઉથ લંડનના ક્રૉયડનમાં આઠ વર્ષથી ફ્રેશફિલ્ડ માર્કેટ નામનો કન્વીનીયન્સ સ્ટોર ધરાવતા બેનેડિક્ટ સેલ્વરત્નમની દુકાનમાં એક જ દિવસમાં નવ જેટલા શોપલિફ્ટિંગના બનાવો બન્યા હતા. ઘણીવાર તો ગુનેગારો દ્વારા બેશરમ અને આક્રમક વર્તન કરાય છે.

ચોરીઓ કરનારા ગુનેગારોમાં માતાઓથી માંડીને પેન્શનરો, બાળકો, સાયકલ પર આવતા કિશોરો, અને કોફી, મધ અને મીટ જેવી વસ્તુઓ માટે ઓર્ડર પ્રમાણે ચોરી કરતી ઓર્ગેનાઇઝ્ડ ગેંગનો સમાવેશ થાય છે. દુકાનોના સ્ટાફને નિયમિતપણે મૌખિક અને શારીરિક શોષણનો સામનો કરવો પડે છે. સેલ્વરત્નમના એક કર્મચારીને તો માથામાં ઇજા કરાતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. કેટલીક મહિલા સ્ટાફે તો સુરક્ષાને કારણે નોકરી છોડી દીધી છે.

10,000 દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સે આ  સમસ્યાનો સામનો કરવા માટે સરકારની મદદની હાકલ કરી સરકારને સલામતીનાં પગલાં વધારવા માટે ઇન્ડીપેન્ડન્ટ દુકાનોને £1,500ની એક જ વારની ગ્રાન્ટ આપવા વિનંતી કરી છે.

પણ ખરેખર તો હકિકત એ છે કે પોલીસ આવી ચોરી માટે સહાય કરવામાં ઉણી ઉતરી છે. જેનાથી ચોરોને ઉત્તેજન મળે છે અને અન્યોને પણ અનુસરવા પ્રોત્સાહિત કરે છે. તો મેટ્રોપોલિટન પોલીસે કહ્યું હતું કે ઉંચી માંગને કારણે દરેક શોપલિફ્ટિંગ કેસનો જવાબ આપવો તેમના માટે હંમેશા શક્ય નથી, પરંતુ જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓને “જ્યાં યોગ્ય હોય ત્યાં મોકલશે.”

બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના ડેટા મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 2022માં રિટેલ ક્ષેત્રે ચોરીના ગુનાઓમાં 26 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

2 × five =