(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડમાં જાણીતા ગાયિકા શ્રેયા ઘોષાલ 12 માર્ચે પોતાનો 37મો જન્મ દિન ઉજવ્યો હતો. શ્રેયાને તેણે પોતાની ગીત-સંગીતની કારકિર્દીમાં અનેક સુપર-ડુપર ગીત આપ્યા છે. અહીં તેના વિશેની કેટલીક અંગત માહિતી અને 37 વર્ષની સિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રેયા ઘોષાલનો જન્મ 12 માર્ચ 1984એ પશ્ચિમ બંગાળમાં બેહરામપુરના મુર્શિદાબાદમાં થયો હતો. બાળપણથી જ તેમને ગાયનનો શોખ હતો, આ જ કારણ હતું કે શ્રેયા ઘોષાલે ચાર વર્ષની ઉંમરથી જ સંગીતનું તાલિમ લેવાનું શરૂ કરી દીધું હતું. ટીવી શો ‘સારેગામાપા’થી શ્રેયાને મોટી તક મળી અને આગળ તેની પ્રગતિના માર્ગ ખુલતા ગયા. આ શોને સોનૂ નિગમે હોસ્ટ કર્યો હતો.

શ્રેયાના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે ‘સારેગામાપા’માં બીજીવાર ભાગ લીધો. આ વખતે તેમના પરફૉર્મન્સથી સંજય લીલા ભણશાળીનું ધ્યાન કેન્દ્રીત થયું અને તેમણે વર્ષ 2000માં પોતાની ફિલ્મ ‘દેવદાસ’ માટે ગીત ગાવાની ઓફર આપી હતી. શ્રેષ્ઠ ગાયકી માટે શ્રેયાને અનેક એવોર્ડઝ પણ મળ્યા છે અને તે ભારતની પ્રથમ એવી ગાયિકા છે જેમને માત્ર 26 વર્ષની ઉંમરે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રેયાના નામ પર આજે પણ અમેરિકાના ઓહાયો રાજ્યમાં 26 જૂનના દિવસે ‘શ્રેયા ઘોષાલ ડે’ ઉજવાય છે. લતા મંગેશકરને પ્રેરણાસ્ત્રોત માનનાર શ્રેયાએ બંગાળી, તમિલ, તેલુગૂ, કન્નડ, મરાઠી અને ભોજપુરી ભાષામાં પણ ગીત ગાયા છે. તેણે વર્ષ 2015માં પોતાના બાળપણના સાથી શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને તાજેતરમાં તેણે પોતે ગર્ભવતી હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું.