નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર રીતે ‘પ્રમુખ સ્વામી રોડ’ કરવામાં આવ્યું છે.

ચાળીસ વર્ષ પહેલાં મેડો ગાર્થ ખાતે 1980માં હાલના મંદિર સંકુલની સામે આવેલા એક નાના મંદિરથી સંબંધોની શરૂઆત કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે ઑગસ્ટ 1995માં મેડો ગાર્થ ખાતે હાલના અને ભારત બહારના સૌથી મોટા પારંપરિક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

નીસ્ડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS  શ્રી સ્વામીનારાયણ મંદિરે 25 વર્ષથી એક પૂજા સ્થળ, શિક્ષણ કેન્દ્ર, સંવાદિતા અને સમુદાય સેવા કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા એક આકર્ષણ તરીકે સેવા આપી છે. મંદિરની 120થી વધુ દેશોના 10.5 મિલિયનથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. બ્રિટનમાં, તે ધાર્મિક લેન્ડસ્કેપનો એક અભિન્ન ભાગ બની ગયો છે જ્યારે લંડનમાં તે સ્થાનિક સમુદાયના સામાજિક તાણાવાણામાં વણાયેલો છે.

મેડો ગાર્થના આ ભાગને પ્રમુખ સ્વામી રોડ નામ આપવાનો નિર્ણય બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટ દ્વારા 12 ઑક્ટોબર 2020ના રોજ લેવાયો હતો. કાઉન્સિલે બ્રેન્ટમાં મંદિરના સ્થાનને “આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન” તરીકે સ્વીકાર્યું હતું, તેમજ બરોમાં તેના યોગદાનની પણ રજૂઆત કરી હતી. આ ફેરફાર સમુદાય સાથે મંદિરની ભાગીદારીને પણ સ્વીકારે છે અને તાજેતરમાં કોવિડ-19 રોગચાળો ટોચ પર હતો ત્યારે નિર્બળ લોકો માટે 50,000થી વધુ ગરમ ભોજન પહોંચાડવા આવ્યા હતા.

મંદિરના સ્વયંસેવક ગિરીશ પટેલે જણાવ્યું હતું કે, “આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજની એક ભેટ છે જે ફક્ત આ સમુદાયના લોકોને જ નહીં, પરંતુ યુકે અને વિશ્વભરના લોકોને મળી છે. તેમના નિસ્વાર્થ જીવનને શ્રદ્ધાંજલિ આપવા માટે મેડો ગાર્થના ભાગનું નામ બદલીને ‘પ્રમુખ સ્વામી રોડ’ રાખવામાં આવ્યું છે. તેમણે મંદિરની ઘણી મુલાકાતો દરમિયાન અગણિત જીવનને આશીર્વાદ અને પ્રેરણા આપી હતી, અને અમે પ્રાર્થના કરીએ છીએ કે મંદિરનો કાયમી વારસો અને રસ્તાનું નામ બદલવાનું આવનારી પેઢીઓને પ્રેરણારૂપ બનાવશે.”

મંદિરના ટ્રસ્ટી ડો. મયંક શાહે ઉમેર્યું હતું કે, “નીસ્ડન ટેમ્પલ ખાતે અમે સૌ, આ ખૂબ-આવકાર્ય પરિવર્તનને સમર્થન આપવા માટે બ્રેન્ટ કેબિનેટ અને બરોના લોકોનો હાર્દિક આભાર માનીએ છીએ.”