ગ્રેઝ, એસેક્સ ખાતે રહેતા અને હોમ ઓફિસના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી કાર્યકર આકાશ સોંધીએ વિશ્વભરની લગભગ 600 છોકરીઓ અને મહિલાઓના સ્નેપચેટ એકાઉન્ટ્સને હેક કરી તેનો ઉપયોગ તે મહિલાઓને બ્લેકમેલ કરવા માટે કર્યો હોવાનું બહાર આવ્યું છે. એસેક્સ પોલીસે તપાસ કર્યા પછી તેને 11 વર્ષ જેલની સજા કરવામાં આવી હતી.

સોંધીને ગયા મંગળવારે હેકિંગ, બ્લેકમેલ અને વોઇરિઝમ સહિત કુલ 65 ગુનાઓ સ્વીકાર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો અને તેને જાતીય અપરાધીઓના રજિસ્ટર પર રાખવામાં આવશે. 27 વર્ષના આકાશે ધમકીઓ આપી હતી કે જો તે યુવતીઓ પોતાના વધુ નગ્ન ફોટા અથવા લાઇવ વિડિઓઝ નહીં મોકલે તો તેમના મિત્રો અને પરિવારજનોને તેમની નગ્ન તસવીરો મોકલશે. આકાશ એવી શેખી મારતો હતો કે તેને પકડવો મુશ્કેલ છે. તેણે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ, યુએઈ, બ્રિટન અને ફિનલેન્ડની કુલ 574 પીડિત મહિલાઓને ભોગ બનાવી હતી. જેમાંથી ઓછામાં ઓછી 23 બ્રિટનની હતી.

સોંધીના ગુનાની શરૂઆત 2015ના અંતમાં તે નૉટિંગહામ યુનિવર્સિટીમાંથી ગણિતની ડિગ્રી કરતો હતો ત્યારે થઇ હતી. તે પછી તે સિવિલ સર્વિસીસના ફાસ્ટ-સ્ટ્રીમ પ્રોગ્રામ અંતર્ગત મિનીસ્ટી ઓફ જસ્ટીસ અને કેબિનેટ ઑફિસમાં કામ કરતો હતો ત્યાર પછી પણ તે ચાલુ રહ્યું હતું. ગત માર્ચમાં એવોન અને સમરસેટ પોલીસે તેની પીડિતા સાથેના સંપર્ક બાદ તેના આઈપી એડ્રેસના આધારે ઘર પર દરોડો પાડી ધરપકડ કરી હતી.

એક પીડિત મહિલાએ બેઝિલ્ડન ક્રાઉન કોર્ટમાં કહ્યું હતું કે “હું કામ પર નિરાશ રહેતી હતી. તેની નાલાયકતાના સ્તરને કારણે મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેનાથી મારી મિત્રતા પર ભારે અસર પડી છે.”

એસેક્સ પોલીસના ડીટેક્ટીવ સાર્જન્ટ ઇયાન કોલિન્સે તેને એક “અધમ ગુનેગાર” ગણાવતા કહ્યું હતું કે ‘’અમારા સાયબર ક્રાઇમ યુનિટ જેવી કોઈ વિશેષ ટીમ તપાસમાં સામેલ થાય છે, ત્યારે અમે બીચ પરના દરેક પથ્થરને તપાસીએ છીએ અને અમે ઓળખી કાઢીએ છીએ.”