REUTERS/Dinuka Liyanawatte

ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાએ તેના વિદેશી દેવાની ચુકવણીમાં નાદારી જાહેર કરી છે. અનાજ, ગેસ, વીજળી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત વચ્ચે શ્રીલંકાના વિદેશી હૂંડિયામણમાં તીવ્ર ઘટાડો થયો છે અને તે હાલમાં દેવાની ચુકવણી કરવાની સ્થિતિમાં છે. જોકે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી રાહત પેકેજની મંત્રણા કરી રહ્યું છે. શ્રીલંકાએ આશરે 6 બિલિયન ડોલરનું વિદેશી દેવું ચુકવવાનું છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ દેવાની ચુકવણીને સસ્પેન્ડ કરવાની શ્રીલંકાની નીતિ રહેશે. તે 12 એપ્રિલ 2022ના બાકી દેવાની રકમ પર લાગુ પડશે. આ નીતિ તમામ ઇન્ટરનેશનલ બોન્ડ, તમામ દ્વિપક્ષીય લોન, કોમર્શિયલ બેન્કો અને સંસ્થાકીય લેણદારોની તમામ લોકોનો સમાવેશ થાય છે.

જોકે દેવાની ચુકવણીને મોકૂફ રાખવાનો નિર્ણય વચગાળાનો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સાથેની સૂચિત સમજૂતી મુજબ દેવાનું પુનર્ગઠન કરવામાં આવે ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે. અગાઉ જાન્યુઆરીમાં સરકારે ડિફોલ્ટને ટાળ્યો હતો. જોકે આ પછીથી અનાજ, ગેસ અને વીજળીની ભારે અછતને કારણે આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછતને કારણે દેશભરમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એનાલિસ્ટે જણાવ્યું હતું કે આ એક એકપક્ષીય નિર્ણય છે. તે લેણદારો સાથેની મંત્રણાનું પરિણામ નથી. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે સરકાર પાસે ખૂબ જ ઓછું વિદેશી હૂંડિયામણ છે, તેથી તેની પાસે બીજો કોઇ વિકલ્પ નથી. ભારતનો આ પડોશી દેશ હાલમાં 1948માં આઝાદી પછીની સૌથી ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.