ભારતની એવિયેશન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ સ્પાઈસજેટના 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પાઇલટ યોગ્ય રીતે પ્રશિક્ષિત ન હોવાનું માલુમ પડતાં ડીજીસીએએ આ પગલું ભર્યું છે. ડીજીસીએએ કહ્યું હતું કે આ પાઈલટોને ફરીથી તાલીમ લેવી પડશે.
ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું કે, હાલ અમે આ પાઇલટને મેક્સ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે તેમને ફરીથી તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ચૂક માટે જવાબદાર જણાશે તો નિયામક દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્પાઇસજેટના પ્રવક્તાએ બુધવારે પુષ્ટિ કરી કે, ડીજીસીએએ એરલાઇનના 90 પાઇલટને મેક્સ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને તેના માટે ફરીથી ટ્રેનિંગ આપવાની વાત પણ કહી છે.
ઉલ્લેખનીય છે કે, ડીજીસીએએ 13 માર્ચ 2019ના રોજ ઇથોપિયન એરલાઇન્સ 737 મેક્સ વિમાન ક્રેશના ત્રણ દિવસ પછી બોઇંગ 737 મેક્સ વિમાનોનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. આ અકસ્માતમાં ચાર ભારતીયો સહિત કુલ 157 લોકોના મોત થયા હતા. જોકે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધથી મેક્સ એરક્રાફ્ટની ફ્લાઇટની અસર થશે નહીં. સ્પાઇસજેટ પાસે હાલમાં 11 મેક્સ એકફ્રાક્ટ છે અને 144 પાઇલટની જરૂર પડે છે. મેક્સ વિમાનો માટે કુલ 650 પાઇલટ તાલિમબદ્ધ છે.