રવિવારની બપોર પછી ઓવલમાં ભારતીય બોલર્સે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચને જીવંત બનાવી, છતાં સોમવારે સવારે મેચના આરંભ સુધી તો ઈંગ્લેન્ડનો ટેસ્ટ મેચ અને શ્રેણી વિજય નિશ્ચિત જણાતો હતો, પણ શુભમન ગિલની સેના, ખાસ તો મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ વેધક બોલિંગ અને જાનદાર, શાનદાર દેખાવ સાથે ઈંગ્લેન્ડના મોઢા સુધી આવેલો વિજયનો કોળિયો ઝુંટવી લઈ ભારતીય ચાહકો અને ઈંગ્લેન્ડના પણ ક્રિકેટ વિશ્લેષકોના દિલ જીતી લીધા હતા.
ખુદ ઈંગ્લેન્ડની ટીમના સુકાની બેન સ્ટોક્સે કબૂલ્યું હતું કે 2-2થી શ્રેણી સરભરનું અંતિમ પરિણામ યથાયોગ્ય રહ્યું. કેટલાક વિશ્લેષકોના મતે તો ભારત-બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર – એફટીએ પછી ઓવલના ચમત્કારે પણ સાબિત કરી દીધું છે કે ભારત એક ઉભરતી તાકાત, શક્તિશાળી સત્તા છે.
ભારતે એક સમયના તેના શાસકો, ઈંગ્લેન્ડને ક્રિકેટમાં પણ પાછળ પાડી દઈ આ યુવા ટીમે એક વધુ પરચો બતાવ્યો છે. ઈંગ્લેન્ડના અનેક ક્રિકેટ વિશ્લેષકોએ ઓવલના વિજયના મુખ્ય શિલ્પી મોહમ્મદ સિરાજ ઉપર પ્રશંસાના પુષ્પો વરસાવ્યા છે. ટાઈમ્સ અખબારના મુખ્ય ક્રિકેટ સંવાદદાતા અને ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ આથરટનથી લઈને માઈક બ્રીઅરલી તથા માઈકલ વોન સહિતના અગ્રણીઓએ સિરાજ, ગિલ તેમજ ભારતીય ટીમને ઉદારતાપૂર્વક બિરદાવી છે.
આથરટને તો ત્યાં સુધી લખ્યું છે કે, તેના મતે ભારતીય ટીમ માટે સીરીઝ ડ્રો કરતાં પણ વધુ સારૂં પરિણામ યોગ્ય રહ્યું હોત, પણ આનાથી કશું ઓછું તો તેને માટે અન્યાયી બની જતું. તો માઈકલ વોને એવું લખ્યું છે સમગ્ર સીરીઝ દરમિયાન તેને અવારનવાર એવું લાગતું કે બસ, હવે ભારતીય ટીમનો રકાસ થશે અને ત્યારે તે ફરી બેઠી થઈ છવાઈ જતી. ગિલ અને તેના નવોદિતો ખરેખર અભિનંદનને પાત્ર છે.
