નવરાત્રિના શુભ પર્વ સાથે, 24 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ યુકે દ્વારા નોર્થ વેસ્ટ લંડનમાં હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ ખાતે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું હતું. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ કથાનું નેતૃત્વ ગૌરી ગોપાલ આશ્રમ, વૃંદાવનના સ્થાપક, સંત અને આધ્યાત્મિક શિક્ષક પૂજ્ય શ્રી અનિરુદ્ધાચાર્ય જી મહારાજ કરી રહ્યા છે.

પવિત્ર પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ ગુરૂજીની હાજરીમાં મહારાજશ્રીનું સ્વાગત કર્યું હતું. ગુજરાતના સંત શ્રી જેન્તીબાપા સહિત સેંકડો અનુયાયીઓ શોભાયાત્રામાં જોડાયા હતા.

પૂ. શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજે ભારતીય પરંપરાઓ પર ભાર મૂકતા કહ્યું હતું કે “ભારતીય સંસ્કૃતિ આજે પણ સર્વોચ્ચ છે, અને તે સરખામણીની બહાર છે. ભાગવત જીવનમાં સાચો અર્થ શોધવાનો માર્ગ છે.” તેમણે માતાપિતાને તેમના બાળકોમાં મૂલ્યો અને શિસ્તનું પોષણ કરવા વિનંતી કરી હતી. મહારાજશ્રીએ ભારતની બહાર સનાતન ધર્મને જીવંત રાખવાના પૂ. ગુરૂજીના મિશનની પ્રશંસા કરી, તેમને “સંસ્કૃતિ, સમુદાય અને સંતોને જોડતો જીવંત સેતુ” ગણાવ્યા હતા.

પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજીએ શ્રી ગૌ ગૌરી ગોપાલ સેવા સંસ્થા દ્વારા વૃંદાવનમાં મહારાજશ્રીની સખાવતી પહેલ પર પ્રકાશ પાડી તેમને બ્રિટિશ ભૂમિ પર “વૃંદાવનની દિવ્ય સુગંધ” લાવનાર ગણાવ્યા હતા. ગુરૂજીએ કહ્યું હતું કે “જ્યારે દુનિયા ભૌતિકવાદ તરફ ધસી રહી છે, ત્યારે તેમના આશીર્વાદ આપણા જીવન માટે અમૃત જેવા છે.”

આ કથા માનવતાવાદી કાર્ય માટે જાણીતી શ્રી ગૌ ગૌરી ગોપાલ સેવા સંસ્થા, વૃંદાવનને ટેકો આપવા માટે સમર્પિત છે.

લંડન બરો ઓફ હેરો કાઉન્સિલની 60મી વર્ષગાંઠ પ્રસંગે સંવાદિતા, સામાજિક કલ્યાણ અને સાંસ્કૃતિક ઉજવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

કથાની રત્નકણિકાઓ

  • “ભાગવત વિનાનું જીવન સ્વાદહીન છે. જ્યારે કોઈ આત્મા પોતાનો માર્ગ ભૂલી જાય છે, ત્યારે એકમાત્ર ઉપાય કથા સાંભળવાનો છે.”
  • “રાવણની અનિયંત્રિત ઇચ્છાઓ તેને પતન તરફ દોરી ગઈ હતી. તેવી જ રીતે, જો વિજય ન મળે તો આપણી નબળાઈઓ આપણને નષ્ટ કરી શકે છે.”
  • “સાચો પ્રેમ કબજો મેળવવા વિશે નથી પરંતુ શરણાગતિ વિશે છે. જ્યારે મન ભગવાનમાં ડૂબી જાય છે ત્યારે જ દૈવી સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકે છે.”

LEAVE A REPLY