આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથા માટે લંડન પધારેલા પૂજ્ય શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજે આધુનિક શિક્ષણને આધ્યાત્મિક મૂળ સાથે સંતુલિત કરવા માટે આહ્વાન કરી સૌને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગીતા અને રામાયણનો અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આધુનિક વિશ્વમાં પોતાના ધર્મને ક્યારેય નહીં ભૂલવા અપીલ કરી પૂ. રાજરાજેશ્વર ગુરુજીના પ્રયાસો સમુદાયોને એક કરવા અને વૈશ્વિક સ્તરે સનાતન મૂલ્યોને મજબૂત બનાવવામાં અસાધારણ છે એમ કહ્યું હતું.

ગુરુજીએ ભક્તોને કહ્યું હતું કે ‘’નવરાત્રી નૃત્ય કરતાં વધુ છે. તે આત્માને જાગૃત કરવા, એકતામાં રહેવા અને ભક્તિ સાથે જીવવાનો સંદેશ આપે છે. આ વર્ષે આપણે હેરો કાઉન્સિલની 60મી વર્ષગાંઠ ઉજવીએ છીએ, ત્યારે હું દરેકને જ્ઞાન, શક્તિ અને આનંદના આશીર્વાદ આપું છું.”

એમપી ગેરેથ થોમસે ઉત્સવને એક ઉજવણી દર્શાવી હતી જે હેરોની વિવિધતાને સમૃદ્ધ બનાવે છે. તો એમપી બોબ બ્લેકમેને ઉત્સવને પેઢીઓમાં એકતાને પ્રતિબિંબિત કરતી ગર્વની ક્ષણ ગણાવ્યો હતો.

હેરો કાઉન્સિલના મેનેજિંગ ડિરેક્ટર, એલેક્સ ડ્યુસ્નેપ, હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલ, કાઉન્સિલ લીડર કાઉન્સિલર પોલ ઓસ્બોર્ને પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો હિતેશ કારિયા, વિપિન મીઠાણી, કાંતિ રાબાડિયા, કૃષ્ણા સુરેશ, શશી સુરેશ, ચેતના હાલાઈ, ગ્રેહામ હેન્સન, સ્ટીફન ગ્રીક, થયા ઇદૈક્કડર, કુહા કુમારન, રામજી ચૌહાણ, પંકિત શાહ, મીના પરમાર અને ભૂતપૂર્વ મેયરો ભગવાનજી ચૌહાણ, અજય મારુ અને, લેબર પાર્ટીના નેતાઓ માઇક વિલિયમ્સ અને જેમ્સ વોટકિન્સ, સખાવતી શામજીભાઈ પટેલ, પ્રયાગરાજના સંતો અભિરામચાર્યજી મહારાજ, ગુજરાતના પૂજ્ય શ્રી જેન્તીબાપા ઉજવણીમાં જોડાયા હતા.

મેટ્રોપોલિટન પોલીસ, ફાયર બ્રિગેડ, બ્રિટિશ આર્મી, રોયલ નેવી, સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ અને હેરો ઇન્ટરફેઇથ જૂથોના પ્રતિનિધિઓએ હાજરી આપી સમર્થન દર્શાવ્યું હતું. નવરાત્રી ઉત્સવનું સમાપન 5 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ ગરબા સાથે થશે.

LEAVE A REPLY