બ્લેક લાઇવ્સ મેટર: યુકેની 60 રેસીસ્ટ પ્રતિમાઓની યાદી તૈયાર કરાઇ

0
517
(Photo by Dan Kitwood/Getty Images)

બ્લેક લાઇવ્સ મેટરના સમર્થકોએ બ્રિસ્ટલમાં એડવર્ડ કોલસ્ટનની પ્રતિમાને તોડ્યા બાદ બ્લેક લાઇવ્સ મેટરના સમર્થકોની ‘ટોપલ રેસિસ્ટ’ વેબસાઇટ દ્વારા યુકેની 60 રેસીસ્ટ પ્રતિમાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે ગુલામોનો વેપાર કરતા અને રેસીસ્ટ આગેવાનોના વિવાદાસ્પદ સ્મારકો અને પ્રતિમાઓને દૂર કરવા સ્થાનિક કાઉન્સિલો અને સંગ્રહાલયોની રેસ જામી છે.

‘ગુલામી અને જાતિવાદની ઉજવણી’ કરતી પ્રતિમાઓ દૂર કરવાના અભિયાન અંતર્ગત BLM ના કાર્યકરો તા. 8ના રોજ સાંજે 5 વાગ્યે ઓક્સફર્ડમાં સેસિલ રહોડ્સના પૂતળા પાસે ‘રહોડ્ઝ યુ આર નેક્સ્ટ’ અભિયાનના ભાગરૂપે ભેગા થનાર છે. મ્યુઝિયમ ઓફ લંડને પણ સ્ટેચ્યુ ઓફ પ્લાન્ટેશન અને સ્લેવ ઓનર રોબર્ટ મિલિગનની પ્રતિમાનું પણ સ્થળાંતર કર્યું છે.

બ્રિટનના જે પ્રખ્યાત લોકોની પ્રતિમાઓ  હિટ લિસ્ટમાં છે તેમાં ઑક્સફર્ડના સામ્રાજ્યવાદી સેસિલ રોડ્સ, મ્યુઝિયમ ઑફ લંડનના ગુલામ વેપારી વેસ્ટ ઇન્ડિયા ડોક્સના સ્થાપક ડૉકલેન્ડ્સના રોબર્ટ મિલિગન, ગુલામીની નાબૂદીમાં વિલંબ કરનારા ભૂતપૂર્વ હોમ સેક્રેટરી હેનરી ડુંડાસની એડિનબરા સ્થિત પ્રતિમા અને પ્લેમથ હોની સર ફ્રાન્સિસ ડ્રેકની પ્રતિમા શામેલ છે. લંડનમાં જોખમ છે તેવા સ્મારકોમાં ગિલ્ડહૉલમાં વિલિયમ બેકફોર્ડ, લંડનની મેટ્રોપોલિટન યુનિવર્સિટીના જ્હોન કાસ અને ગાય્સ હોસ્પિટલના આંગણામાં આવેલી થોમસ ગાયની પ્રતિમાનો સમાવેશ થાય છે.

યુકેના 30 થી વધુ શહેરોની તકતીઓ અને સ્મારકોની સૂચિ તૈયાર કરાઇ છે અને ઑનલાઇન સૂચિમાં લોકો ઉમેરો કરી રહ્યા છે.

લંડનના મેયર સાદિક ખાને પણ લંડનની મૂર્તિઓની વિવિધતાની ‘સમીક્ષા અને સુધારણા કરશે’ એમ જણાવ્યું છે અને તેમણે રાજધાનીની બધી ગુલામ વેપારી પ્રતિમાઓને હટાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજધાનીના સીમાચિહ્નો મોટા ભાગે વિક્ટોરિયન યુગના છે અને તેમાં ‘વંશીય લોકો’ શામેલ હોવા જોઈએ. તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ વધુ વંશીય અને શ્યામ લોકો, સ્ત્રીઓ, એલજીબીટી સમુદાયના લોકોની પ્રતિમાનું નિર્માણ કરશે. પરંતુ તેમને નથી લાગતું કે સર વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાને સમીક્ષામાં શામેલ કરવી જોઈએ. કારણ કે લંડનવાસીઓએ તેમના વિશે શિક્ષિત થવાની જરૂર છે અને ચર્ચિલ, ગાંધી અને માકલ્મ એક્સ જેવા ‘કોઈ પણ સંપૂર્ણ નથી’.

પરંતુ ટીકાકારોએ મેયરના અભિગમને ‘વિચલિત અને વિભાજનશીલ’ ગણાવ્યો છે, લંડનના મેયરના ટોરી ઉમેદવાર શોન બેઈલીએ કહ્યું છે: ‘મેયર ખાન વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની પોલીસ સેવાને સમર્થન આપવામાં નિષ્ફળ ગયા તેનાથી લંડનવાસીઓને વિચલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે બધા લંડનવાસીઓને સુરક્ષિત રાખવા અને બધા રંગના લોકોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

રોમફોર્ડના સાંસદ, એન્ડ્ર્યુ રોઝિન્ડેલે જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે લંડનના મેયરે લંડનવાસીઓને મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. આપણો ઇતિહાસ ફાડી નાખવા મેયરને ચૂંટવામાં આવતા નથી. અમારો ઇતિહાસ તે છે કે આપણે કોણ છીએ અને તમને દરેક વસ્તુમાં કંઈક ખરાબ મળી શકે, પછી તે વડા પ્રધાનો હોય કે કોઈપણ. મૂર્તિઓ ફાડીને લંડનની આજુબાજુ ફરવાનું અને શેરીઓનું નામ બદલવાનો વિચાર વાહિયાત છે.

ઑક્સફર્ડ સિટી કાઉન્સિલે ઓરિયલ કૉલેજને રોડ્સની પ્રતિમા હટાવવા પ્લાનીંગ પરમિશન મૂકવા આમંત્રણ આપ્યું છે. ઑક્સફોર્ડ સિટી કાઉન્સિલના નેતા સુસાન બ્રાઉનની પ્રતિમાને હટાવવાની યોજનાને 26 કાઉન્સિલરોએ ટેકો આપ્યો છે. ઓરીએલ કૉલેજે કહ્યું હતું કે તે આ મુદ્દાની ‘ચર્ચા ચાલુ રાખશે’  પરંતુ તેને હટાવવાની પ્રતિબદ્ધતા ધરાવતા નથી.

લંડનમાં તા 9ની સાંજે જ્યોર્જ ફ્લોઇડના અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને સર વિન્સ્ટન ચર્ચિલ સહિતના અગ્રણીઓની પ્રતિમા પર ફરીથી હુમલો થાય હોય તેવા સંજોગોને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.