વિશ્વભરમાં અત્યારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાનું લોકોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ વ્યસ્તતાને કારણે તેની અસર તેમના કામ પર પણ પડી છે. અમેરિકાવાસી એક ભારતીય એ સોશિયલ મીડિયાની ચૂંગાલમાંથી છૂટવા માટે એક નવી યુક્તિ અપનાવી છે.
આ ભારતીય એ જ્યારે ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે તેને રોકવા એક યુવતીને નોકરી પર રાખી છે, અને આ યુવતીને તેણે થપ્પડ મારવાની મંજૂરી પણ આપી છે.
રસપ્રદ બાબત એ છે કે આ ખબર અંગે વિશ્વના સૌથી અમીર ઇલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી છે. આ ભારતીયએ ફેસબુકની લતથી છૂટવા માટે આ નિર્ણય લીધો હતો. જોકે, આ વાત નવ વર્ષ જૂની છે, પરંતુ અત્યારે તેનો વીડિયો ફરીથી વાઇરલ થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાન્ફ્રાન્સિસ્કોના બ્લોગર મનીષ સેઠીએ એક મહિલાને નોકરી પર રાખી હતી, આ મહિલાનું કામ જ એ હતું કે જ્યારે પણ તે ફેસબુક ખોલે ત્યારે તેને થપ્પડ મારવી. આ માટે મહિલાને એક કલાકના આઠ ડોલર પણ ચૂકવવામાં આવતા હતા. તેના માટે મહિલાએ મનીષની સાથે બેસીને કામ કરવું પડતું હતું. આ દરમિયાન જ્યારે પણ મનીષ ફેસબૂક ખોલતો ત્યારે તરત જ મહિલા તેને થપ્પડ મારતી હતી. સેઠીએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, કારા નામની આ મહિલાને નોકરીએ રાખવાને કારણે પોતાની ઉત્પાદકતા 98 ટકા વધી ગઈ છે.
આ અંગે ઇલોન મસ્કે તેની ઇમોજી પણ બનાવી છે અને પોસ્ટ પણ કરી છે. તેની સામે સેઠીએ જવાબ પણ આપ્યો છે, તેણે કહ્યું હતું કે, ફોટોમાં દેખાતી વ્યક્તિ હું પોતે છું અને મસ્કની પોસ્ટ પછી મારી પહોંચ પણ વધશે.