વડોદરા જિલ્લાના હરિધામ સોખડામાં ગાદી માટે બે સંતોના વિવાદ વચ્ચે બુધવારે 69 વર્ષના ગુણાતીત ચરણદાસ સ્વામીના રહસ્યમ મોતથી મંદિરમાં મોટો વિવાદ ઊભો થયો હતો. સંતોએ દાવો કર્યો હતો કે ગુણાતીત સ્વામીએ બુધવારની રાત્રે આત્મહત્યા કરી હતી, જ્યારે પોલીસ જણાવે છે કે તે તમામ એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. ગુણાતીત સ્વામીના પોર્ટપોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું કે ગળું દબાવવાથી સ્વામીનું મોત થયું હતું.

સ્વામીએ રહસ્યમય કારણોસર કથિત ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા હરિભક્તોને ભારે આઘાત લાગ્યો છે. જોકે સંતોએ ગુણાતીત સ્વામીનું કુદરતી મોત થયું હોવાનો દાવો કર્યો હતા. પોલીસે જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામીનો મૃતદેહ મંદિર પરિસરમાં તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. સ્વામીના રૂમમાં સાથે રહેતા એક ભક્તે જણાવ્યું હતું કે તેમણે રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બારણું બંધ હતું, તેથી તેમણે પોતાની ચાવીનો ઉપયોગ કરીને બુધવારની રાત્રે રૂમમાં પ્રવેશ્યા હતા. તેમણે કપડાના દોરડા પર ગુણાતીત સ્વામીને લટકતા જોયા હતા.

ગુણાતીત સ્વામીના જૂનાગઢમાં રહેતા પરિવારને તાકીદે જાણ કરવામાં આવી હતી, પરંતુ તાકીદે તેમના મોતનું કારણ જાહેર કરાયું ન હતું. ગુરુવારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો, જેમાં બહાર આવ્યું હતું કે શ્વાસોશ્વાસ અટકવાથી તેમનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહને સૌ પ્રથમ જોનારા વ્યક્તિએ દાવો કર્યો હતો કે સ્વામીએ આત્મહત્યા કરી છે, પરંતુ અમે આ દાવાની તપાસ કરી રહ્યાં છીએ. તેમણે જાતે ગળે ફાંસો ખાધો હોય અથવા બીજા કોઇએ આ ગુનો કર્યો હોય તેવી શક્યતા છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુણાતીત સ્વામીનું મૃત્યું ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. વડોદરા પોલીસની FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબર 21માં તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સ્વામીના રૂમમાં ઝેડ આકારનો હૂક હતો, એમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી ઉપર ડોલ અને એની ઉપર ઓશીકાના સહારો લઈને તેમણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિયસ્વામી, સગાંવહાલાં મળી કુલ પાંચ જનનાં નિવેદનો નોંધ્યાં હતા.

પોલીસે જણાવ્યું હતું કે મંદિરના સીસીટીવી ફૂટેજમાં જોતાં બુધવારે સાંજે સાત વાગે ગુણાતીત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે. જ્યારે સાંજે 7:20 વાગે પ્રભુપ્રિયસ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે. પોલીસે 4 લોકોનાં નિવેદન નોંધી મંદિરના સીસીટીવી ફૂટેજ, મૃતક સંતનો મોબાઈલ અને મૃતકે જે ગાતરિયાથી ગળાફાંસો ખાધો હતો એ કબજે લીધાં હતાં. પોલીસ હવે વિસેરાની રાહ જોઈ રહી છે.

હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતીત સાધુએ બે દિવસ પહેલાં સોખડામાંથી નીકળીને બાકરોલ મંદિરે પ્રબોધસ્વામી સાથે આવવાની વાત કરી હતી. તેઓ હરિધામ છોડવા માગતા હતાં, પરંતુ એનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. ગુણાતીત ચરણદાસ સ્વામી છેલ્લાં 40 વર્ષથી સંત તરીકે જીવ્યા હતા. ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યા છે કે જ્યારે સોખડા મંદિરના સંતો દ્વારા સ્વામીના મૃત્યુ અંગે પરિવારને જાણ કરી તો પોલીસને શા માટે જાણ ન કરવામાં આવી અને કોના કહેવાથી ઘટનાસ્થળથી ગાતરિયું, મોબાઈલ, ખુરશી અને ઓશીકું હટાવીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.