આશરે એક મહીના પહેલા દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ ચોંકાવનારી હતી પરંતુ હાલ આ દેશે કોરોના વાયરસ પર કાબુ મેળવીને વિશ્વ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે. આ કારણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ વિશ્વને દક્ષિણ કોરિયાની જેમ કોરોના વાયરસ સામે યુદ્ધ લડવાની સલાહ આપી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ મામલે વાતચીત દરમિયાન ગુટેરેસે જણાવ્યું કે, “પોતે આશા રાખે છે કે, સમગ્ર વિશ્વ પણ દક્ષિણ કોરિયાના શાનદાર ઉદાહરણના નકશા પર ચાલે. તેમણે જે કર્યું તેમાં સફળતા મળી.”

એશિયન દેશોમાં ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોવિડ-19 સંક્રમણના કારણે સ્થિતિ બેકાબુ થઈ ગઈ હતી પરંતુ આ દેશે જે રીતે મહામારી પર નિયંત્રણ મેળવ્યું તે વિશ્વ માટે એક મિસાલ સમાન છે. દક્ષિણ કોરિયામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના માત્ર ચાર જ નવા કેસ સામે આવ્યા હતા અને તે પણ બહારથી આવેલા લોકોના હતા.

નવા ચાર કેસ સાથે દક્ષિણ કોરિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10,774 થઈ ગઈ છે જેમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 9,072 અને મૃતકઆંક 248 છે. કોરિયાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલ પ્રમાણે દેશમાં સ્થાનિક સ્તરે સંક્રમણનો એક પણ કેસ નથી નોંધાયો પરંતુ વાયરસ ફરીથી ઉથલો મારે તેની સંપૂર્ણ શક્યતા છે. આ કારણે જ લોકોને બીમાર હોય તો ઘરે રહેવા અથવા હોસ્પિટલ જવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.