શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકના જન્મની 551મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે બરોમાં વસતા શીખ સમુદાયના યોગદાનની સરાહના કરવા માટે સાઉથ વેસ્ટ લંડનના સાઉથૉલમાં આવેલા હેવેલૉક રોડના કિંગ સ્ટ્રીટ અને મેરિક રોડ વચ્ચેના એક ભાગનું નામ બદલીને ગુરૂ નાનક રોડ કરવામાં આવશે તેવી જાહેરાત ઇલિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે.

આજ રોડ પર ભારતની બહારનું સૌથી મોટુ ગુરૂદ્વારા સંસ્થા ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પણ આવેલું છે. યોગાનુયોગ એ છે કે આ હેવલોક રોડનું નામ બ્રિટિશ સૈન્યના જનરલ સર હેનરી હેવલોકના નામ પરથી પાડવામાં આવ્યું હતું  જેમણે 1857માં પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને કચડી કાઢ્યો હતો.

કાઉન્સિલ નેતા જુલિયન બેલે બ્લેક લાઇવ્સ મેટર આંદોલન જૂન મહિનામાં પ્રથમ વખત ઇલિંગમાં જાહેર સીમાચિહ્નોની સમીક્ષાની ઘોષણા કરી હતી. બિઝનેસ અને કમ્યુનિટિ સર્વિસીસના કાઉન્સિલર કમલજીત ધીંડસાએ જણાવ્યું હતું કે, “હું આ ફેરફારને આવકારું છું. ઇલિંગની વિવિધતા એ આપણી તાકાત છે અને આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે જે સ્થળોએ રહીએ છીએ તે આપણી શેરીઓ અને ઇમારતોના નામો વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.”

આ રસ્તાના નામના પરિવર્તનની ચર્ચા કરવા માટે રહેવાસીઓ, બિઝનેસીસ, રોયલ મેઇલ અને ઇમરજન્સી સેવાઓ સાથે પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હેવલોક રોડ વિસ્તારના અને બહારના રહેવાસીઓના 445 જવાબોમાંથી, લગભગ 55 ટકા લોકોએ નામમાં ફેરફાર કરવા માટે ટેકો આપ્યો હતો, જ્યારે 41 ટકા લોકોએ વિરોધ કર્યો હતો. આ પરિવર્તન આવતા વર્ષના પ્રારંભમાં અમલમાં આવશે. (Courtesy : Local Democracy Reporting Service)