ટેસ્ટ અને ટી-20 ફોર્મેટ પછી હવે વિરાટ કોહલી અને રોહિત શર્માની વન-ડેમાંથી પણ વિદાયની અટકળો તેજ બની છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ આ બંને મહાન ખેલાડીઓ અંગે કોઈ નિર્ણય લેવાની ઉતાવળમાં નથી. બીસીસીઆઈ ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેવામાં માનતું નથી અને નિર્ણય લેતા પહેલા હંમેશા તેમના ચાહકો મૂડનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. આ બંને ખેલાડીઓનો વિશાળ ચાહક વર્ગ હોવાથી બંનેના વન-ડેમાંથી પણ વિદાયનો મુદ્દો સંવેદનશીલ છે.
BCCIના એક સૂત્રે નામ ન આપવાની શરતે જણાવ્યું કે “સ્વાભાવિક છે કે, જો તેમના (રોહિત અને કોહલી) મનમાં કંઈક હશે, તો તેઓ BCCIના અધિકારીઓને ઇંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ પહેલાની જેમ જ કહેશે. પરંતુ ભારતીય ટીમના દૃષ્ટિકોણથી, આગામી મોટું કાર્ય ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપ અને તે પહેલાંની તૈયારીઓ છે. હાલનો ફોક્સ એશિયા કપ T20 ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ ટીમ મોકલવા પર રહેશે, આશા છે કે બધા ખેલાડીઓ ફિટ અને ઉપલબ્ધ હશે.”
આ બંને ખેલાડીઓ હવે ફક્ત ODI ક્રિકેટ રમે છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે બંને ખેલાડીઓ 2027નો વર્લ્ડ કપ જીતીને પોતાની કારકિર્દીનો અંત લાવવા માંગે છે. પરંતુ હાલમાં ODI ટીમમાં આ બંને ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત નથી. બીજી તરફ BCCI આ બંને ખેલાડીઓ સામે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલા ઘરેલું ટુર્નામેન્ટ રમવાની શરત મૂકી શકે છે. જો બંને બેટ્સમેન આ શરત ન માને તો વનડેમાંથી તેમનું પત્તું કપાઈ શકે છે. જોકે, BCCIની પહેલી પ્રાથમિકતા ટી20 વર્લ્ડ કપ છે અને તેમને રોહિત-કોહલીના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની કોઈ ઉતાવળ નથી. BCCIએ 25 ઓક્ટોબરે સિડની ખાતે આ બંને ખેલાડીઓને વિદાય મેચની ઓફર કરી હોવાની પણ મીડિયામાં અટકળો ચાલે છે.
