બોલીવૂડની ગીત-સંગીતની દુનિયામાં અરિજિત સિંઘ એક ખૂબ જ જાણીતું નામ છે. યુવાનો તેના ગીતોને ખૂબ જ પસંદ કરે છે. તેની લોકપ્રિયતા એટલી છે કે તેનું એક પણ ગીત જો ફિલ્મમાં હોય તો તે અધુરું લાગે છે. હવે એવા સમાચાર મળ્યા છે કે, અરિજિત સિંઘ ફિલ્મના દિગ્દર્શનના ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અરિજિત સિંઘ મહાવીર જૈનના પ્રોડક્શનની ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ અંગે એક સૂત્ર કહે છે કે, ‘અરિજિત છેલ્લાં કેટલાંક વખતથી ફિલ્મ સર્જનના ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતો હતો. તેણે એકાગ્રતા કેળવીને પોતાની મહાત્વાકાંક્ષી સ્ક્રિપ્ટ પર કામ કરવાનું જાળવી રાખ્યું હતું. તેની દિગ્દર્શક તરીકેની આ પ્રથમ ફિલ્મ એક અનોખી જંગલ એડવેન્ચર ફિલ્મ હશે, જે તેણે પોતે કોયેલ સિંઘ સાથે મળીને લખી છે.’
કહેવાય છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી થઈ ગઈ છે અને હાલ તેઓ કાસ્ટિંગના તબક્કે પહોંચી ગયા છે. સૂત્ર કહે છે કે, ‘આ એક મોટા બજેટની ફિલ્મ છે અને અરિજિત ક્રૂ અને પ્રી પ્રોડક્શનમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં ફિલ્મ માટે કલાકારોની પસંદગી શરૂ થશે, તે ઇચ્છે છે કે કોઈ ટોચના કલાકારને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવે.’ આ સમસ્ત ભારતીયો માટેની ફિલ્મ હશે અને તેનું કાસ્ટિંગ પણ એવી રીતે કરાશે, તેથી દેશની વિવિધ ઇન્ડસ્ટ્રીમાંથી કલાકારોને પસંદ કરાશે.
મહાવીર જૈન, કાર્તિક આર્યન સાથે ‘નાગઝિલા’ ફિલ્મ પણ બનાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિક્રાંત મેસ્સી જેમાં મુખ્ય ભૂમિકામાં છે, એ શ્રી શ્રી રવિશંકર પરની ફિલ્મ પણ બનાવી રહ્યા છે.
