સ્પાઈસજેટ એરલાઇન્સના વડા અજયસિંહે બિઝી બી એરવેઝ સાથે મળીને નાદાર થયેલી ગો ફર્સ્ટને ખરીદવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. સ્પાઈસજેટ ગો ફર્સ્ટના સ્લોટ્સ અને ઈન્ટરનેશનલ ફ્લાઈંગ રાઈટ્સનો ઉપયોગ કરીને તેની કામગીરી વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે.

આ અંગે સ્પાઈસજેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અજયસિંહે તેમની વ્યક્તિગત ક્ષમતા સાથે અને બિઝી બી એરવેઝ સાથે મળીને ગો ફર્સ્ટ ખરીદવા માટે દાવો કર્યો હતો. ગો ફર્સ્ટ માટે શારજાંહસ્થિત સ્કાય વન એફઝેડઈ કંપનીએ પણ બિડ કરી હોવાનું કહેવાય છે. મહત્વનું એ છે કે સ્પાઈસજેટ પોતે આર્થિક સંકટમાં છે અને તે તેનો ખર્ચ કાઢવા માટે ફંડ મેળવવા અને ખર્ચ ઘટાડવા પણ પ્રયાસ કરી રહી છે. તેણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે 1000થી વધુ કર્મચારીઓની છટણી કરશે.

કંપનીએ કહ્યું હતું કે નવી એરલાઈન્સ માટે સ્પાઈસજેટની ઓપરેટિંગ પાર્ટનર તરીકેની ભૂમિકા રહેશે જેમાં જરૂરી સ્ટાફ, સર્વિસીઝ, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટિઝનો સમાવેશ થશે.
સ્પાઈસજેટના ચેરમેન અજયસિંહે કહ્યું હતું કે, તેઓ દૃઢપણે માને છે કે ગો ફર્સ્ટ જબરદસ્ત ક્ષમતા ધરાવે છે અને સ્પાઈસજેટ સાથે મળીને તે કામ કરશે તો તેને ફરી બેઠી કરી શકાય તેમ છે. ગો ફર્સ્ટ એરલાઈન્સે ગત 3 મે, 2023ના રોજ તેની ફ્લાઈટનું સંચાલન બંધ કર્યું હતું અને સ્વૈચ્છિક રીતે ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રોસીડિંગ્સ માટે અરજી કરી હતી, જેને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્વીકારી હતી.

LEAVE A REPLY

5 × 5 =