આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલ શ્રીલંકામાં પ્રેસિડેન્ટના નિવાસસ્થાન પાસે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનને સરકારે ‘આતંકવાદી કૃત્ય’ ગણાવ્યું છે.
પ્રેસિડેન્ટ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન નજીક થઇ થયેલા હિંસક પ્રદર્શનને સરકારે વિરોધ પક્ષો સાથે જોડાયેલા ‘ઉગ્રવાદી તત્વો’ ને જવાબદાર ઠેરવ્યા હતા. ગુરુવારે રાજપક્ષેના નિવાસસ્થાનની બહાર સેંકડો પ્રદર્શનકારીઓએ હિંસક વિરોધ દર્શાવ્યો હતો અને સમુદ્રથી ઘેરાયેલા દેશમાં સૌથી ખરાબ આર્થિક સંકટને નિવારવમાં તેમની નિષ્ફળતા માટે તેમના રાજીનામાની માગણી કરી હતી.
આંદોલન હિંસક બનતાં અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટના નિવાસસ્થાન નજીક મૂકેલા સ્ટીલ બેરિકેડમાં તોડફોડ કરતા પોલીસે તેમના પર ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના પણી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે પેટ્રોલ-ડીઝલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું સંકટ ઊભું થયું છે. રાંધણ ગેસની સાથે દિવસભર વીજ પૂરવઠો ખોરવાયેલો રહે છે.
શુક્રવારે પ્રેસિડેન્ટના મીડિયા વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મિરિહાનામાં પ્રેસિડેન્ટ રાજપક્ષેના નિવાસસ્થાન નજીકના વિરોધ પ્રદર્શનમાં એક ઉગ્રવાદી જૂથની સંડોવણી હતી, તેવું ડેઈલી મિરર ન્યૂઝ વેબસાઈટના રીપોર્ટમાં જણાવાયું છે.
નિવેદનને ટાંકીને રીપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે, ‘જાણવા મળ્યું છે કે, સંગઠિત ઉગ્રવાદીઓનું એક જૂથ નુગેગોડામાં જ્યુબિલી પોસ્ટ પાસે વિરોધ કરી રહ્યું હતું, જે અચાનક તોફાનીમાંથી હિંસક બની ગયું હતું.’
આ હિંસામાં સામેલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં ઘણા સંગઠિત ઉગ્રવાદી હોવાનું જાણવા મળ્યું છે, તેવું નિવેદનમાં જણાવાયું છે.
આ દરમિયાન, પત્રકારો સાથે વાત કરતા, પરિવહન પ્રધાન દિલુમ અમુનુગમાએ જણાવ્યું હતું કે, આ હિંસક તોફાન ‘આતંકવાદી કૃત્ય’ હતું.
પ્રવાસન બાબતોના પ્રધાન પ્રસન્ના રણતુંગાએ હિંસા માટે સમાગી જના બાલાવેગયા (SJB) અને જનતા વિમુક્તિ પેરામુના (JVP) જેવા વિરોધ પક્ષો સાથે જોડાયેલા ‘ઉગ્રવાદી તત્વો’ને જવાબદાર ઠેરવ્યા હતા.
આરોગ્ય પ્રધાન કેહેલિયા રામબુકવેલાએ જણાવ્યું હતું કે, ગુપ્તચર તંત્રની નિષ્ફળતાને કારણે પ્રદર્શન થયું હોવાથી પ્રેસિડેન્ટના જીવન સામે જોખમ હતું.