કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામન અને રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. (PTI Photo/Kamal Kishore)

ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને ગુરુવારે આર્થિક મંદીનો સામનો કરવા માટે 2.65 લાખ કરોડના વધુ એક સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત અભિયાનના હેઠળ સરકારે રાહત માટે 10 મોટા પગલાંની જાહેરાત કરી છે. આની સાથે કોરોના મહામારી બાદ સરકારના તમામ સ્ટીમ્યુલ પેકેજ જીડીપીના 15 ટકા થયું છે.

આ પેકેજના ભાગરૂપે સરકાર બે વર્ષ સુધી 1000 સુધીના કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં નવી ભરતી થનારા કર્મચારીઓની પીએફની રકમ ચૂકવશે. આ નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે. 1000થી વધુ કર્મચારીઓ વાળી કંપનીઓમાં નવા કર્મચારીઓનુ 12 ટકા પીએફ સરકાર બે વર્ષ માટે આપશે. તેનાથી કરોડો કર્મચારીઓને ફાયદો થશે.
સરકારે કોવિડ વેક્સિનના રિસર્ચ માટે 900 કરોડ રુપિયા અપાશે અને મૂડીખર્ચ અને ઔદ્યોહિક ખર્ચ માટે 10200 કરોડ રુપિયાની સહાય કરશે.

સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના હેઠળ અત્યાર સુધીમાં 116 જિલ્લાઓમાં 37000 કરોડનો ખર્ચ કર્યો છે. તેના વિસ્તરણ માટે બીજા 10000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ફર્ટિલાઈઝર માટે 65000 કરોડની સબસિડી અપાશે. જેનાથી 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

હાઉસિંગમાં મોટી રાહતના ભાગરુપે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂની છૂટ વધારીને 20 ટકા કરાઈ છે. જોકે આ છૂટ પહેલી વખત મકાન ખરીદનારા માટે હશે. સરકારી ટેન્ડરમાં પરફોર્મન્સ સિક્યુરિટી ઘટાડીને 3 ટકા કરાઈ છે. આ રાહત 31 ડિસેમ્બર, 2021 સુધી રહેશે. પીએમ આવાસ યોજના માટે વધારાના 18000 કરોડ રુપિયાનો ખર્ચ કરાશે.

અર્થતંત્રના 10 ક્ષેત્રો માટે 1.46 લાખ કરોડની પ્રોડક્શન લિન્ક ઈન્સેન્ટિવ યોજના લાગુ કરાઈ છે. જેનાથી રોજગારી વધશે. કામત કમિટીની ભલામણ પ્રમાણે 26 સેક્ટર માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ મૂળ રકમ ચુકવાવ માટે પાંચ વર્ષનો સમય અપાયો છે. ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમની મહેતલ વધારીને 31 માર્ચ, 2021 કરાઈ છે. આ સ્કીમ હેઠળ 61 લાખ લોકોને બે લાખ કરોડથી વધારે લોન અપાઈ છે. જેમાંથી 1.52 લાખ કરોડનુ વિતરણ થઈ ચુક્યુ છે.