બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાઈ પો છે ફૅમ એક્ટર આસિફ બસરાએ 12 નવેમ્બરે બપોરના સમયે આત્મહત્યા કરી હતી. આસિફે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મેક્લોઇડગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફેની નજીક આત્મહત્યા કરી હતી.

આસિફ ગુરુવાર, 12 નવેમ્બરના રોજ પાલતુ કૂતરા સાથે ફરવા નીકળ્યા હતા. ઘરે આવીને તેમણે પાલતુ કૂતરાની દોરીથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા. અહીંયા તેમની સાથે એક વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

53 વર્ષીય આસિફ બસરા ‘પરઝાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’ ઉપરાંત હોલિવૂડ મૂવી ‘આઉટસોર્સ’માં પણ જોવા મળ્યા હતા. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. 1998માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. આસિફે ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’માં પણ કામ કર્યું હતું.