Getty Images)

ગુજરાત સરકારે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવે તે માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, કૃષિ રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમાર, રાજય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી દવે તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ દેશ-વિદેશનો પ્રવાસ કરશે. મહત્વની વાત એ છે કે રાજ્યની 22 સરકારી અને ખાનગી યુનિવર્સટીઓ ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાનમાં જોડાશે.

હાલ રાજયમાં પ્રોફેશનલ કોર્ષમાં 1 લાખ કરતા વધારે બેઠકો ખાલી રહે છે, ત્યારે દેશ-વિદેશના વિધાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરે તે માટે 14 થી 21 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ એશિયાના દેશોમાં રોડ શૉ કરશે. ભારતના 10 શહેરોમાં પણ રોડ શૉનું આયોજન કરાયું હોવાની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ આપી હતી. તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને મંજૂરી આપવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં મેડિકલ, એન્જીનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનું બંધ કર્યું હતું.

હાલ ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષમાં એક લાખ કરતા વધુ બેઠકો ખાલી રહે છે, ત્યારે આગામી સમયમાં રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને વિધાર્થીઓની સંખ્યા મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં પશ્ચિમ એશિયામાં 16 થી 22 જાન્યુઆરી દરમિયાન રોડ શૉ યોજવામાં આવશે. જેમાં 16 જાન્યુઆરીએ કુવૈત, 17-18 જાન્યુઆરીએ દુબઇમાં, 19-20 જાન્યુઆરીએ મસ્ક્ત અને 21-22 જાન્યુઆરીએ રિયાધમાં રોડ શૉ યોજાશે.

જેમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ અને કોર્ષ વિશે માહિતી અપાશે. ગુજરાતની નામાંકિત કહી શકાય તેવી યુનિવર્સિટીઓમાં સેપ્ટ, ગણપત યુનિવર્સિટી, આઈઆઈટી રામ, જી એન એલ યૂ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. હાલ દેશ-વિદેશનાં 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને માહિતી મળી રહી તે માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે.