ભારતના જાણીતા ફિલ્મમેકર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે તેમણે ફિલ્મના જબરદસ્ત પ્રમોશન માટે મલ્ટી-સિટી ટૂરનું આયોજન કર્યું હતું. ફિલ્મની સમગ્ર કાસ્ટ ભારતના પ્રવાસે નીકળી હતી, જેમાં દિગ્દર્શક એસએસ રાજામૌલી અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી હવે વડોદરા પાસે કેવડિયામાં ‘સરદાર વલ્લભભાઈ પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, આની સાથે જ ‘RRR’ ફિલ્મ ભારતના ઐતિહાસિક સ્મારકોના પ્રવાસ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે.

તાજેતરમાં જ ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ આ સફરની પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફિલ્મને લઈને ચાહકો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આમ, હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી નિર્માતાઓએ મોટાપાયે પ્રમોશનની યોજના તૈયાર કરી હતી. તેમણે તાજેતરમાં ફિલ્મના પ્રચાર માટે દેશના મુખ્ય સ્થળોની મુલાકાત લીધી હતી.

રસપ્રદ વાત એ છે કે, ભારતની સૌથી મોટી એક્શન ડ્રામાનો બીજો બેન્ચમાર્ક સેટ કરીને એસએસ રાજામૌલીની ‘RRR’ ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મમાં આ બંને મેગા પાવર સ્ટાર્સ સિવાય અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં જોવા મળશે.