(ANI Photo)

ભારતે આશરે બે મહિના બુધવાર, 22 નવેમ્બરે પછી કેનેડિયનો માટે ટુરિસ્ટ અને બિઝનેસ ઇ-વિઝા ફરી ચાલુ કર્યા હતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના ઓટ્ટાવાના આરોપને પગલે આવી સેવાઓ સ્થગિત કરાઈ હતી.

આ પગલાથી બંને દેશો વચ્ચે તણાવ થોડો ઓછો થવાની સંભાવના છે, પરંતુ નજીકના ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા નથી.

ભારતના એક અધિકારીએ જણાવ્યું હતું કે “કેનેડિયન નાગરિકો માટે ઇ-વિઝા સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે.” ભારત કેનેડિયન નાગરિકો માટે માત્ર પ્રવાસન અને વ્યવસાય માટે ઈ-વિઝા જારી કરે છે. નવી દિલ્હીએ સપ્ટેમ્બરમાં સ્થગિત કરાયેલા 13માંથી ચાર કેટેગરીના વિઝા ફરી શરૂ કર્યાના એક મહિના બાદ આ નિર્ણય કરાયો છે.

કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ‘ભારત સરકારના એજન્ટો’ સામેલ હતા. જોકે ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કેનેડાના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે ભારતે દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવાની માંગ પણ કરી હતી.

ટ્રુડોના નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢતા, ભારતે કેનેડાના સિનિયર ડિપ્લોમેટને 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાએ તેના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી હતી અને તેના જવાબમાં ભારતે પણ કેનેડા માટે આવી જ એડવાઈઝરી બહાર પાડી હતી. બાદમાં ભારતે કેનેડા સ્થિત ભારતના વિઝા એપ્લિકેશન સેન્ટરની સેવાઓ સસ્પેન્ડ કરી દીધી હતી.

ભારતે 21 સપ્ટેમ્બરે વિઝા સેવા સ્થગિત કરી હતી. જોકે ઓક્ટોબરમાં ભારતે પ્રવાસી, રોજગાર, વિદ્યાર્થી, ફિલ્મ, મિશનરી અને પત્રકાર વિઝા સિવાય કેનેડિયન નાગરિકો માટે અમુક કેટેગરીમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરી હતી.
G20 લીડર્સ વર્ચ્યુઅલ સમીટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ ભાગ લેવાના છે તેના થોડા કલાકો પહેલા ભારતે તમામ કેટેગરીના વિઝા માટેની સેવાઓ ફરી ચાલુ કરી હતી. કેનેડિયન વડા પ્રધાન કાર્યાલય (PMO)એ આ સમીટમાં ટ્રુડોની સહભાગિતાની પુષ્ટિ આપી હતી. બંને દેશોના સંબંધો કથળ્યા પછી આ પ્રથમ વખત હશે, જ્યારે ટ્રુડો અને વડાપ્રધાન મોદી આમને-સામને હશે.

ગયા અઠવાડિયે વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કેનેડાના આરોપની તપાસને નકારી રહ્યું નથી, પરંતુ હાઇલાઇટ કર્યું હતું કે ઓટ્ટાવાએ હજુ સુધી તેના દાવાને સમર્થન આપવા માટે પુરાવા આપ્યા નથી.
કેનેડિયન વિદેશ પ્રધાન મેલાની જોલી સાથે આ મુદ્દા પર ચર્ચાવિચારણા કરી હોવાનો ઉલ્લેખ કરીને જયશંકરે જણાવ્યું હતું કે અમે તેમને કહ્યું છે કે, જો તમારી પાસે આવો આરોપ મૂકવાનું કારણ હોય, તો પુરાવા અમારી સાથે શેર કરો. અમે તપાસનો ઇનકાર કરતા નથી અને તેઓ જે કંઈપણ ઓફર કરે છે તે જોઈ રહ્યા છીએ. તેઓએ પુરાવા આપ્યાં નથી.

 

LEAVE A REPLY

4 × 1 =