Rishi Sunak, (L) looks on as Boris Johnson (Photo by Matt Dunham - WPA Pool/Getty Images)

ચાન્સેલર ઋષિ સુનકે ગુરૂવારે તા. 22ના રોજ રોગચાળાના બીજા મોજાને પહોંચી વળવા લૉક ડાઉન પ્રતિબંઘોને લક્ષમાં લઇને તકલીફ અનુભવતા યુકેભરના વેપાર – ધંધા અને ઉદ્યોગોને વેતન અને વધારાનું અનુદાન આપવા જોબ સપોર્ટ યોજનાના વિસ્તરણની હાઉસ ઑફ કૉમન્સમાં ઘોષણા કરી હતી. આ યોજના અંતર્ગત મુખ્યત્વે ઇંગ્લેન્ડના ટાયર 2 હાઇ એલર્ટ લેવલ હેઠળના વિસ્તારોમાં બિઝનેસીસને મદદ કરાશે.

ગુરૂવારે બપોરે ન્યૂઝ કોન્ફરન્સમાં વડા પ્રધાન બોરીસ જ્હોન્સને “લોકોની આજીવિકાનું રક્ષણ કરનારા” ઉપાયો રજૂ કરવા બદલ ચાન્સેલરનો આભાર માન્યો હતો. પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે જો તે આરોગ્ય પહેલા ઇકોનોમીને સમર્થન આપશે તો યુકેમાં “ઘણા વધુ હજારો લોકો”ને મોતનો સામનો કરવો પડશે.

લોકોની અવરજવર અને ભેગા થવા પરના પ્રતિબંધોને પગલે બિઝનેસીસ ચલાવવાનું મુશ્કેલ થઇ રહ્યું છે ત્યારે સુનકે જણાવ્યું હતું કે “નિયંત્રણોની સંભાવનાઓને કારણે ઘણા લોકો માટે, તેમના પરિવારો અને સમુદાયો માટે ચિંતા ઉભી કરી દીધી છે. હું આશા રાખું છું કે સરકારનું પગલું મદદરૂપ બની રહેશે. મેં હંમેશાં કહ્યું છે કે પરિસ્થિતિ બદલાશે ત્યારે આપણે આર્થિક સહાયનુ અનુકૂલન કરવા તૈયાર રહેવું પડશે, અને આજે આપણે એ કરી રહ્યા છીએ. આ ફેરફારોનો અર્થ એ છે કે અમારો ટેકો વધુ લોકો સુધી પહોંચશે અને ઘણી વધુ નોકરીઓનું રક્ષણ કરાશે.”

સરકારની નવી જોબ સપોર્ટ સ્કીમ 1 નવેમ્બરથી અમલમાં આવશે જેમાં પહેલા એમ્પલોયર્સે પાર્ટ ટાઇમ કામ કરનાર કર્મચારીઓના પગારના સામાન્ય કલાકના 33 ટકા ચૂકવવાના હતા તેના બદલે હવે ઘટાડીને ફક્ત 5 ટકા જ ચૂકવવાના રહેશે. કામ કરવાના ન્યૂનતમ કલાકોની આવશ્યકતાઓને ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે, તેથી જેઓ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ કામ કરશે તે પણ આ યોજના અંતર્ગત પાત્ર બનશે. આનો અર્થ એ કે જો કોઇ વ્યક્તિ નહિં કરેલા કામ બદલ £587 મેળવતા હશે તો તેમાં સરકારનું યોગદાન £543 અને એમ્પ્લોયરનું યોગદાન ફક્ત £44 રહેશે. આ ઉપરાંત એમ્પલોયર્સને £1,000નું જોબ રીટેન્શન બોનસ મળવાનું ચાલુ રહેશે. કાયદાકીય રીતે બંધ કરવા માટે જરૂરી બિઝનેસીસ માટેની જોબ સપોર્ટ સ્કીમ યથાવત્ રખાઇ છે.

ફર્લોને બદલે જ્યાં બિઝનેસીસને બંધ કરી દેવા પડ્યા છે તેવા ટાયર થ્રી ક્ષેત્રના બિઝનેસીસમાં સરકાર 67 ટકા પગાર ચૂકવશે જ્યારે કર્મચારીઓને 33 ટકા કપાત ભોગવવી પડશે. જ્યારે પ્રતિબંધોને કારણે અસર પામેલા બિઝનેસીસને પાર્ટ ટાઇમ જોબ સપોર્ટ સ્કીમ અંતર્ગત કર્મચારીઓએ તેમના કામના કલાકોના 20 ટકા કલાકો માટે કામ કરવું પડશે. જેમાં એમ્પલોયર્સે 4 ટકા અને સરકારે 49 ટકા ચૂકવવા પડશે. જ્યારે કર્મચારીઓએ 27 ટકા પગાર કાપ ભોગવવો પડશે.  આ બધી યોજનાઓમાં નેશનલ ઇન્સ્યોરંશ અને પેન્શન ફાળો એમ્પલોયર્સે ચૂકવવો પડશે.

સુનકે ગયા મહિને સંસદમાં રજુ કરેલા વિન્ટર ઇકોનોમી પ્લાનને ગુરૂવારે અપડેટ કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે “લિવરપૂલ, લેન્કેશાયર, સાઉથ યોર્કશાયર અને ગ્રેટર માન્ચેસ્ટર જેવા સ્થળોએ આવેલા અને જે બંધ નથી, પરંતુ આકરા પ્રતિબંધોનો સામનો કરે છે તેવા બિઝનેસીસ વધુ ટેકો મેળવવામાં સક્ષમ બનશે. અમારી યોજના નોકરી માટે, ઉદ્યોગો માટે, પ્રદેશો માટે, અર્થતંત્ર માટે, દેશ માટે છે, બ્રિટિશ લોકોને ટેકો આપવાની યોજના છે.”

હાઇ એલર્ટ લેવલ સ્તરના પ્રતિબંધોને કારણે પ્રતિકૂળ અસર થઇ છે તેવા મુખ્યત્વે હોસ્પિટાલીટી, આવાસ અને લેઝર ક્ષેત્રના બિઝનેસીસને તાજેતરના ફેરફારોના ભાગ રૂપે, દર મહિને £2,100 સુધીનું રોકડ અનુદાન આપવામાં આવશે. જેનો સંભવિત રીતે 150,000 ઉદ્યોગોને લાભ થશે અને બધા બિઝનેસીસ લાભ લેશે તો તેનો ખર્ચ £1 બિલીયન થશે. આ અનુદાન પહેલેથી નિયંત્રણોને પાત્ર, ટાયર 3 માં જતા અથવા ખૂબ જ હાઇ-એલર્ટ લેવલ પર રહેતા વિસ્તારોમાં આપવામાં આવશે, જ્યાં સંપૂર્ણપણે શટડાઉન કરી દેવામાં આવ્યુ હશે.

સેલ્ફ એમ્પલોઇડ તરીકે નોંધાયેલા લોકો માટેની  આગામી બે સેલ્ફ એમ્પલોઇડ ગ્રાન્ટ દ્વારા આવરી લેવામાં આવતા નફાની રકમ 20 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવી રહી છે, એટલે કે મહત્તમ અનુદાન £1,875થી વધીને £3,750 થશે.

યુકેના ટ્રેઝરી વિભાગે કહ્યું હતું કે નવેમ્બરથી જાન્યુઆરી 2021 દરમિયાન સેલ્ફ એમ્પલોઇડ લોકો માટે £3.1 બિલીયનની મદદ કરવામાં આવશે. ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના વધુ અનુદાન પછીથી જાહેર થશે.