(ANI Photo)

સની દેઓલનાં પુત્ર કરણ દેઓલ પછી તેના નાના પુત્ર રાજવીર દેઓલનું પણ બોલીવૂડમાં આગમન થઈ રહ્યું છે. રાજશ્રી પ્રોડક્શનનાં બેનર હેઠળ નિર્માતા સુરજ બડજાત્યાની ફિલ્મ દોનોમાં રાજવીરની અભિનેત્રી તરીકે પલોમા ઠકેરિયા પણ બોલિવૂડમાં આવી રહી છે.

પલોમા 1980ના દાયકાની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનની પુત્રી છે. આ ફિલ્મથી સુરજ બડજાત્યાના પુત્ર અવિનાશ બડજાત્યા પણ દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરી રહ્યા છે. આમ, ‘દોનો’ ફિલ્મ સાથે ત્રણ ફિલ્મકારો બોલિવૂડમાં પ્રવેશી રહ્યા છે.

આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં લોંચ કરવામાં આવ્યું હતું. ટીઝરની શરૂઆત રાજવીર અને પલોમાથી થાય છે. બંનેની મુલાકાત એક લગ્નમાં થાય છે. રાજવીર વરનો મિત્ર હોય છે અને પલોમા કન્યાની સહેલી હોય છે. લગ્નમાં થયેલી પ્રથમ મુલાકાત પ્રેમમાં બદલાઈ જાય છે. રાજવીરે ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “દો અજનબીયોં કે સાથ પ્યાર કી માસુમિયત કા સ્વાગત કર રહે હૈ, જિનકી મંઝીલ એક હૈ. જલ્દ હી સિનેમાઘરો મેં એક નઈ યાત્રા શરુ હોગી.”

આ પ્રેમકહાની પર આધારિત ફિલ્મમાં રાજવીર દેવની અને પલોમા મેઘનાનાં પાત્રમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર નથી થઈ. સની દેઓલ અને પૂનમ ધિલ્લોન પણ ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જેમાં સોહણી મહિવાલ, સવેરે વાલી ગાડી અને સમુંદરનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્રએ 1983માં ફિલ્મ ‘બેતાબ’ દ્વારા મોટા પુત્ર સનીને લોંચ કર્યો હતો. ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી અને સનીની કારકિર્દી જામી ગઈ. તેની ‘ગદર ટુ’ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તો બીજા પુત્ર બોબીને ફિલ્મ ‘બરસાત’ દ્વારા લોંચ કર્યો હતો, જેને સફળતા મળી હતી.

 

LEAVE A REPLY

three + 13 =