બરાબર દિવાળી સમયે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. કોરોના મહામારીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઇકોર્ટના આ આદેશને રદ કર્યો છે. ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની બનેલી સ્પેશિયલ ખંડપીઠે કલકત્તા હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે રાજ્યમાં પ્રતિબંધિત ફટાકડાની કોઇપણ સંજોગોમાં આયાત કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળ સરકારે દિવાળીના તહેવારો દરમિયાન રાતે ૮ થી ૧૦ વાગ્યા સુધી ફક્ત ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે, ૨૯ ઓક્ટોબરે કલકત્તા હાઇકોર્ટે ગ્રીન સહિતના તમામ પ્રકારના ફટાકડા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુક્યો હતો. બીજી તરફ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું છે કે, દિલ્હીમાં એવા લોકોને પણ ફટાકડા ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં કે જેઓ દિલ્હી એનસીઆર બહાર ફટાકડા ફોડવા ઇચ્છે છે કે, જ્યાં ફટાકડા પર પ્રતિબંધ નથી.
દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ સચદેવે જણાવ્યું હતું કે, જો કોઇ વ્યકિત દિલ્હી બહારથી આવીને એમ કહે કે મારા વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું ઓછું છે અને હું અહીંથી ખરીદીને ત્યાં જઇને ફટાકડા ફોડીશ તો દિલ્હીનો દુકાનદાર તેને ફટાકડા વેચે તો તે ગુનો ગણાશે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ ગણાશે.