થોડા નિયંત્રણમાં આવેલી કોરોના વાઇરસ મહામારી ફરીથી વિશ્વને બાનમાં લઇ રહી છે. રશિયા, બ્રિટન, ચીન, સિંગાપોર, યુક્રેન અને પૂર્વ યુરોપના દેશો સહિત ઘણા દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ કોરોનાના સૌથી વધારે કેસ બ્રિટન અને રશિયામાં જોવા મળ્યા છે. બ્રિટનમાં 17 જુલાઇ બાદ પ્રથમવાર 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક રીપોર્ટ મુજબ દેશમાં ડેલ્ટા વેરિયન્ટ ઘાતક સાબિત થયો છે પરંતુ હવે ડેલ્ટાની સાથે જે લાઇનેજ AY.4.2ના કેસના ઝડપથી વધી રહ્યા છે. રશિયામાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધી રહી છે. નવેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા ટોચ પર પહોંચી જશે તેવી પ્રબળ આશંકા છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂતિને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી મોસ્કોમાં એક અઠવાડિયાનું પેઇડ હોલીડેની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબરના રોજ 31,931 નવા કેસ સામે આવ્યાં હતા જ્યારે અઠવાડિયાના સરેરાશ 37,855 કેસ નોંધાયા છે. સિંગાપોરમાં ગત ગુરુવારે કોરોનાના 3,439 નવા કેસ સામે આવ્યાં હતા. અત્યારે હોસ્પિટલમાં 1613 દર્દી સારવાર લઇ રહ્યાં છે, જેમાંથી 346ની હાલત ગંભીર છે. ચીનમાં પણ વાઇરસને પગલે સરકારે સ્કૂલ્સને બંધ કરવાનો તેમજ હજારો ફ્લાઇટને રદ કરવાનો નિર્ણય લીધો છે. કેસ વધતા ચીનમાં મોટાપાયે ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.