(Photo by Tasos Katopodis/Getty Images)

અમેરિકામાં પ્રેસિડન્ટ પદના ઉમેદવારની રેસમાં સામેલ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક મોટો વિજય થયો હતો. સર્વોચ્ચ અદાલતે કોલોરાડોના બેલેટ અંગેના અગાઉના એક ન્યાયિક ચુકાદાને રદ કર્યો હતો. કોલોરાડોની ટોચની અદાલતે 6 જાન્યુઆરી, 2021ના કેપિટોલ હુમલામાં કથિત સંડોવણી બદલ ટ્રમ્પને કોલોરાડોના બેલેટમાંથી બાકાત કર્યાં હતાં અને તેમને જાહેર હોદ્દા માટે ગેરલાયક ઠેરવ્યાં હતાં.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ સર્વસંમતિથી કોલોરાડોની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઉલટાવી દીધો હતો. તેનાથી મંગળવારે રાજ્યની રિપબ્લિકન પ્રાયમરી બેલેટમાં ટ્રમ્પનું નામ સામેલ થશે. કોલોરાડોની કોર્ટે બંધારણના 14માં સુધારાનો ઉપયોગ કરીને ટ્રમ્પને જાહેર હોદ્દા માટે અયોગ્ય જાહેર કર્યાં હતાં.

5 નવેમ્બરે યોજાનારી યુએસ ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રેસિડન્ટ જો બાઇડનને પડકારવા માટે રિપબ્લિકન નોમિનેશન મેળવવા માટે ટ્રમ્પ પ્રબળ દાવેદાર છે. પક્ષમાં તેમના નોમિનેશન સામે એકમાત્ર બાકી હરીફ દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તરત જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે લખ્યું હતું કે “અમેરિકા માટે મોટી જીત!!!”

બંધારણના 14માં સુધારાની કલમ 3 હેઠળ અમેરિકાના બંધારણને સમર્થન આપવાના શપથ લીધા હોય અને પછી અમેરિકા સામેના બળવામાં સંડોવણી હોય અથવા દુશ્મનોને સમર્થન આપ્યું હોય તો તેવા અમેરિકાના અધિકારીને જાહેર હોદ્દા માટે પ્રતિબંધિત કરી શકાય છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે “અમે નિષ્કર્ષ પર આવીએ છીએ કે રાજ્યો રાજ્યના હોદ્દા ધરાવનાર વ્યક્તિઓને ગેરલાયક ઠેરવી શકે છે. પરંતુ રાજ્યોને બંધારણ હેઠળ સંઘીય કચેરીઓ, ખાસ કરીને પ્રેસિડન્ટના પદના સંદર્ભમાં કલમ-3 લાગુ કરવાની કોઈ સત્તા નથી.”

ટ્રમ્પને બંધારણના 14મા સુધારાના આધારે મૈઇને અને ઇલિનોઇસના બેલેટથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતાં, પરંતુ કોલોરાડોના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોવાથી આ નિર્ણયોને રોકી દેવામાં આવ્યાં હતાં.

સુપ્રીમ કોર્ટના ચુકાદો સુપર ટ્યુઝડેની પૂર્વસંધ્યાએ આવ્યો હતો. આ દિવસે મોટાભાગના રાજ્યોમાં નોમિનેશન માટે મતદાન થવાનું છે.

 

 

LEAVE A REPLY

20 − 8 =