Bhupendra Patel
(PTI Photo)

ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંઘીનગર ખાતે યોજાયેલા એક સમારંભમાં સોમવારે 2.20 કલાકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા.શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર રહ્યાં હતા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા હતા.

શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં હતા.

શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા પહોંચ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભૂપેન્દ્ર પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદીએ બીજા ટ્વીટમાં જણાવ્યું હતું કે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ દરમિયાન લોકો સાથે મૈત્રીપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી છે. મને ખાતરી છે કે તેઓ આવનારા સમયમાં જાહેર સેવામાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.

ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ કરે તે પહેલા સવારથી તેમના ઘરે ચહલપહલ જોવા મળી હતી. ભૂપેન્દ્ર પટેલના અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સઘન બંદોબસ્ત જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારી તેમના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરે રહેલા સીમંધર સ્વામીની પ્રતિમાને શિશ ઝુકાવ્યુ હતુ.જ આજે સવારથી તેમના નિવાસસ્થાને સોસાયટીના લોકો પહોંચ્યા હતા અને તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. કેટલાક રહીશોએ બૂકે તો કેટલાક રહીશોએ મીઠાઈ ખવડાવીને ભૂપેન્દ્ન પટેલને શુભકામના પાઠવી હતી. શપથગ્રહણ કરતા પહેલા રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર. પાટીલે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી.
59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી