થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર (Photo by SAM PANTHAKY/AFP/GettyImages)

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે યોજાતો ગુજરાતનો વિખ્યાત તરણેતરનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય. આ મેળો માણવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. કોરોના મહામારીના કારણે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

તરણેતર ગામમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના કલેક્ટર એ કે ઔરંગાબાદકરના જણાવ્યા મુજબ આ વર્ષે કોરોના મહામારી અને ગુજરાત સરકારના જાહેર કાર્યક્રમોમાં 400થી વધુ લોકોએ એકત્ર ના થવાની સૂચનાને ધ્યાનમાં રાખીને આ મેળાને રદ રવામાં આવ્યું છે. રાજ્ય સરકારે મંદિરમાં પ્રાર્થના અને અન્ય ધાર્મિક વિધીઓ માટે મંદિર ખુલ્લુ રાખવાની મંજુરી આપી છે, પરંતુ ભક્તોએ કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કોરોના મહામારીની સ્થિતિને જોતાં આ વર્ષે તરણેતરના મેળાનું આયોજન થવું યોગ્ય નથી, પરંતુ ભક્તો મંદિરના દર્શન માટે આવી શકે છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીના કારણે તરણેતરનો મેળો રદ થયો હતો.

ભક્તો અને કેટલાંક પ્રવાસીઓ આ મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. રાજ્ય પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઈટમાં એવું પણ કહેવાયું છે કે, ગુજરાતનું લોકનૃત્ય, સંગીત, વેશભૂષા, કલાની ઉજવણીની સાથે આદિવાસી યુવાન પુરૂષ અને મહિલાઓ લગ્ન માટે પોતાના જીવનસાથીની પસંદગી પણ કરે છે.