ટેક્સાસ રાજ્ય દ્વારા અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીના પરિણામોને પડકારતો એક લોંગ શોટ કેસ સુપ્રીમ કોર્ટમાં કર્યો છે, તેમાં ચૂંટણી હારી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક અરજી કરી પોતાને કેસમાં ફરિયાદી તરીકે સામેલ થવા દેવાની મંજુરી કોર્ટ પાસેથી માંગી છે. સુપ્રીમ કોર્ટના 9 જજીસ સમક્ષ કરાયેલી એક અલગ અરજીમાં મિસૌરીના રીપબ્લિકન એટર્ની જનરલ એરિક સ્મિટની આગેવાની હેઠળ 17 રાજ્યોના વકીલોએ પણ કોર્ટને વિનંતી કરી છે કે, ટેક્સાસના એ કેસની સુનાવણી હાથ ધરાય.

જો કે, વાસ્તવિકતા એ છે કે, ટ્રમ્પ વતી અત્યારસુધીમાં ચૂંટણી પરિણામોને પડકારતા કોર્ટમાં કરાયેલા કેસમાં તેમને એકપણ સફળતા મળી નથી. ટેક્સાસમાં આ કેસ કરાયાની જાહેરાત ત્યાંના રીપબ્લિકન એટર્ની જનરલ કેન પેક્સટને કરી હતી. તેમાં તેઓએ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પ જ્યાંથી વિજેતા જાહેર થયા હતા પણ આ વખતે હાર્યા હતા એવા ચાર રાજ્યોના પરિણામો પડકારાયા છે. ટ્રમ્પ તો ખોટી રીતે એવો દાવો પણ કરી ચૂક્યા છે પોતે ચૂંટણીમાં વિજેતા રહ્યા છે અને તે ઉપરાંત તેમણે દેશમાં વ્યાપક રીતે વોટીંગમાં ફ્રોડ થયાના પાયા વિનાના આક્ષેપો પણ કર્યા છે. જો કે, રાજ્યોના સ્તરે ચૂંટણી અધિકારીઓએ એવું કહ્યું છે કે, આવા કોઈ ફ્રોડ થયાના પુરાવા તેમની સમક્ષ નથી.

ટ્રમ્પે બુધવારે (9 ડીસેમ્બર) ટ્વીટર ઉપર એવું કહ્યું હતું કે, અમે ટેક્સાસના (વત્તા બીજા અનેક રાજ્યોના) કેસમાં દરમિયાન થઈશું. આ તો એક બહુ મોટો કેસ છે, આપણા દેશને વિજયની જરૂર છે.

ચૂંટણી કાયદાઓના નિષ્ણાતોના મતે જો કે, ટેક્સાસના કેસમાં કાનૂની દ્રષ્ટિએ કોઈ વજૂદ નથી અને તે સંજોગોમાં તેની સફળતાની કોઈ તકો જણાતી નથી. કેલિફોર્નિયાની લોયોલા લો સ્કૂલના ઈલેકશન લો પ્રોફેસર જસ્ટીન લેવિટે એવું કહ્યું હતું કે, પ્રોસિજરની દ્રષ્ટિએ તેમજ નક્કર વજૂદની દ્રષ્ટિએ પણ એ કેસ સાવ બકવાસ છે. કોર્ટ આ કેસ સુનાવણી માટે હાથ ઉપર લે તેવી શક્યતા સાવ શૂન્ય બરાબર છે.

ટેક્સાસ દ્વારા કરાયેલા આ કેસમાં મિસ્સૌરી, અલાબામા, આર્કાન્સાસ, ફલોરિડા, ઈન્ડિયાના, કાન્સાસ, લુઈઝિયાના, મિસિસિપ્પી, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓકલાહોમા, સાઉથ કેરોલાઈના, સાઉથ ડાકોટા, ટેનેસ્સી, ઉટાહ તથા વેસ્ટ વર્જિનીઆ પણ જોડાયા છે. આ તમામ રાજ્યોમાં રીપબ્લિકન નેતાઓ કેસમાં સામેલ થયા છે. આ તમામ રાજ્યોમાંથી ત્રણને બાદ કરતાં બાકીના રાજ્યોમાં રીપબ્લિકન પાર્ટીના ગવર્નર્સ છે.

જ્યોર્જિઆ, મિશિગન, પેન્સિલવેનિઆ તથા વિસ્કોન્સિનના અધિકારીઓએ એ કેસને લોકશાહી ઉપરનો એક બેફામ, નિરર્થક હુમલો ગણાવ્યો છે. રાજ્યો વચ્ચે સામસામા કેસ હોય તેવા સંજોગોમાં કેટલીક પ્રકારના કેસ નીચલી કોર્ટના બદલે સીધા સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે, તેવી કાનૂની જોગવાઈ અનુસાર આ કેસ સીધો સુપ્રીમ કોર્ટમાં કરાયો છે. તેમાં એવો દાવો કરાયો છે. કે, મેઈલ-ઈન વોટીંગ (પોસ્ટલ બેલેટ કે ટપાલથી મતદાન)ના નિયમોનો વ્યાપ હાલના કોરોના વાઈરસના રોગચાળાના સંદર્ભમાં વધારવામાં આવ્યાના નિયમો, પ્રોસિજર્સ કાયદેસરના નથી. તે દાવાના આધારે ટેક્સાસે સુપ્રીમ કોર્ટમાં એવી માંગણી કરી છે કે, એ ચાર રાજ્યોને ચૂંટણીના પરિણામોનો ઉપયોગ કરી ઈલેકટોરલ કોલેજ માટે પ્રેસિડેન્શિયલ ઈલેકટર્સની નિમણુંક કરતા અટકાવવામાં આવે.

બાઈડેનને જાહેર થયેલા પરિણામો અનુસાર 306 ઈલેકટોરલ વોટ્સ મળ્યા છે, જે 270ની આવશ્યકતા કરતાં ઘણા વધારે છે, તો સામે ટ્રમ્પને ફક્ત 232 વોટ્સ મળ્યા છે. વિવાદિત ચાર રાજ્યોના ઈલેકટોરલ વોટ્સની સંખ્યા 62 છે. ઈલેકટોરલ કોલેજ દ્વારા વોટિંગ માટેની કાનૂની તારીખ 14 ડીસેમ્બર છે, તે પણ પાછી ઠેલવાની માંગણી ટેક્સાસની અરજીમાં છે.