ટેસ્લા રોડસ્ટર ઇલેક્ટ્રિક સ્પોર્ટસ કાર પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. એલન મસ્કે ભારતના બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામની પેટાકંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપની અહીં લક્ઝરી ઈલેક્ટ્રિક કારોનું નિર્માણ અને વેચાણ કરવાની યોજના ધરાવતી હોવાનું માનવામાં આવે છે. ટેસ્લાએ પહેલી ઓફિસ બેંગ્લુરુમાં બનાવી છે. બેંગ્લુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાની કામગીરી શરુ કરી છે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય મુજબ ટેસ્લા 8 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં આવી છે. કંપની ભારતમાં ભારતમાં મોડલ 3 લોન્ચ કરી શકે છે. વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ડિલિવરી શરુ કરવામાં આવી શકે છે.

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની કંપની 2021માં ભારતના બજારમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટ્વિટના જવાબમાં લખ્યું હતું કે નિશ્ચિત રીતે તેમની કંપની આગામી વર્ષે ભારતમાં એન્ટ્રી કરશે.

ભારતના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગયા મહિને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં વેચાણ સાથે પ્રારંભ કરશે. આ પછી તે એસેમ્બલી અને મેન્યુફેક્ચરિંગ અંગે વિચારણા કરી શકે છે.
જોકે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત માટેની ટેસ્લાની યોજના સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કર્ણાટકના ઉદ્યોગ પ્રધાન જગદીશ શેટ્ટરે જણાવ્યું હતું કે કંપનીનું રજિસ્ટ્રેશન થયું છે, પરંતુ કંપની અહીં શું કરશે તે અંગે સ્પષ્ટતા નથી.
બેંગલુરુ ભારતની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીનું હબ છે. અહીં દેશની ઘણી ટેકનોલોજી કંપનીઓના હેડક્વાર્ટર્સ છે.
ટેસ્લાના સ્થાપક એલન મસ્ક તાજેતરમાં અમેઝોનના જેફ બેઝોને પાછળ રાખીને દુનિયા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. મસ્કની સંપર્તિ 185 બિલિયન ડોલર છે.