(PTI Photo

દેશભરમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 50 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. 24 કલાકમાં વધુ 52886 કેસ સામે આવ્યા હતા જેમાં 889 લોકો મૃત્યુ પામ્યા હતા. જે સાથે જ દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને 2695230 પર પહોંચી ગઇ છે અને મૃત્યુઆંક પણ વધીને હવે 51 હજારનો આંકડો વટાવી ચુક્યો છે. જે સાથે જ કોરોનાથી સૌથી વધુ મોત બાબતે ભારત વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે.

બીજી તરફ 19.68 લાખથી વધુને સાજા કરી લેવામાં આવ્યા છે. જ્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરાયા છે. આઇસીએમઆર દ્વારા જારી માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 300,41,400 સેંપલ ટેસ્ટ કરાયા છે, આ આંકડા 16મી ઓગસ્ટ સુધીના છે. જ્યારે 24 કલાકમાં જ વધુ 731697 ટેસ્ટ કરાયા હતા.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં કેટલાક દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા હતા પણ હવે તેમનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લઇને સાજા થયેલા બે દર્દીઓનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે તેથી ફરી તેમને સારવાર અપાઇ રહી છે.

દોઢ મહિના પછી તેમનામાં કોરોના પરત ફર્યો છે. આવી જ સિૃથતિ દેશના અન્ય ભાગોમાં હોવાની પણ શક્યતાઓ છે. જેને પગલે હવે કેટલાક રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવી રહ્યું છે, જેમ કે બિહારમાં કેસો વધી જતા લોકડાઉનને હવે 6 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાની મહામારી વધી રહી છે, અહીંના સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસના એક ધારાસભ્ય 76 વર્ષીય સમરેશ દાસ કોરોનાને કારણે મોતને ભેટયા છે. બંગાળી ફિલ્મોના ડાયરેક્ટર રાજ ચક્રવર્તીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોમ ક્વોરન્ટાઇન કરાયા છે સાથે તેમના સંપર્કમાં આવેલા અન્ય ફિલ્મ કલાકારોનો પણ કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે.

ઓડિશામાં પણ કોરોનાની મહામારી મંત્રી સુધી પહોંચી ગઇ છે, ઓડિશાના શ્રમ પ્રધાન સુસાંતા સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી તેમને સારવાર અપાઇ રહી છે, તેઓ સ્વતંત્રતા દિનની ઉજવણીના એક કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં તેઓના સંપર્કમાં અનેક લોકો આવ્યા હોવાની શંકા છે. જ્યારે પંજાબમાં એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના સંપર્કમાં આવેલા રાજ્યના નાણા પ્રધાને પોતાને સેલ્ફ ક્વોરન્ટાઇન કર્યા. લોકો સાજા પણ થઇ રહ્યા છે.