અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાનો બચાવ કર્યાના એક દિવસ પછી, ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનાં સેક્રેટરી ક્રિસ્ટી નોએમે કહ્યું કે, તેમનું તંત્ર વિદેશીઓની પારદર્શકતાની ખાતરી કરશે અને વિઝા પ્રોગ્રામ્સનો ઉપયોગ યથાવત્ રાખશે. ટ્રમ્પ તંત્રમાં વિદેશમાં જન્મેલા લોકો કાયદેસર નાગરિકત્વ મેળવી રહ્યા છે.
નોએમે એક સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘અમે અમારા વિઝા પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતાં રહીશું. અમે વિદેશીઓમાં ફક્ત પારદર્શકતાની અપેક્ષા રાખીશું. આ ઉપરાંત અમે ખરેખર અહીં આવતા એવા વિદેશીઓની તપાસ કરી રહ્યા છીએ, જેઓ યોગ્ય કારણોથી અહીં વસવાટ કરવા ઇચ્છે છે. આ ઉપરાંત તેઓ ત્રાસવાદીઓ અને અમેરિકાનો તિરસ્કાર કરી રહેલા સંગઠનોના સમર્થક તો નથીને તેની પણ ચકાસણી કરીશું.’ નોએમે H-1B વિઝા અંગે એડમિનિસ્ટ્રેશનની નીતિ અંગેના પ્રશ્નનો જવાબ આપ્યા હતા. આ પ્રશ્ન ટ્રમ્પની તાજેતરની એ ટિપ્પણી પછી કરવામાં આવ્યો હતો કે, અમેરિકાએ વિદેશોમાંથી પ્રતિભાશાળી લોકોને બોલાવવા જોઈએ, કારણ કે દેશમાં ‘આવા લોકોની અછત છે.’ ક્રિસ્ટીના નોએમે ઇન્ટરવ્યૂમાં વધુ જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં, અમે અમારી પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને વિઝા પ્રોગ્રામ્સ, ગ્રીન કાર્ડ્સ સહિત તમામમાં પારદર્શકતા દાખવી છે. આ સાથે જ, અગાઉના શાસન કરતાં અત્યારે વધુ લોકો કાયદેસર નાગરિક બની રહ્યા છે. કારણ કે, અમે આપણી ઇમિગ્રેશન નીતિઓમાં કેટલીક પ્રક્રિયાઓને માત્ર સૂચારું અને તેમાં ફેરફાર જ નહીં પરંતુ સાથે તેમાં એ પણ ખાતરી કરી રહ્યા છીએ કે, દેશમાં આવનારા અને આ વિશેષાધિકાર મેળવનારા લોકો યોગ્ય કારણોસર અહીં આવી રહ્યા છે કે નહીં.’












