કોરોના વાઇરસ મહામારીને કારણે વિશ્વભરના લોકો ઘરમાં ફસાઇ ગયા છે ત્યારે થાઇલેન્ડમાં પ્લેન કાફેનું ચલણ વધ્યું છે. આ નવા પ્રકલ્પમાં ગ્રાહકોને તેઓ આકાશમાં પ્લેનમાં બેઠા હોય તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, દેશભરમાં આ નવો વિચાર લોકપ્રિય થઇ રહ્યો છે. દરિયા કિનારાના શહેર પટાયામાં એક જૂના કોમર્શિયલ વિમાનમાં ગ્રાહકો ફર્સ્ટ ક્લાસ પ્રકારની બેઠક પર કોફીની મજા માણી શકે છે અને તેમના માથે લોકર્સ હોય તેવા ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા છે.

એક પોપ-અપ રેસ્ટોરાંનો આકાર થાઇ એરવેઝના પ્લેન જેવો છે અને તેનું મેન્યૂ ફ્લાઇટના મેન્યૂ જેવું છે. રેસ્ટોરાંમાં પ્રવેશ કરતા પહેલા ઇ-બોર્ડિંગ પાસ લેવાનો હોય છે, અને તેમની ત્યાં તપાસ પણ કરવામાં આવે છે. કોરોના વાઇરસ મહામારીના કારણે થાઇ એરવેઝને મોટું નુકસાન થયું છે અને તે કારણે આ કેફેટેરિયાને પોપ-અપ રેસ્ટોરાં તબદિલ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રાહકો આકર્ષાઇ રહ્યા છે. આવા પોપ-અપ રેસ્ટોરાંનો અર્થ થાય છે હંગામી રેસ્ટોરાં, જે અંગત ઘર, જૂના કારખાન અથવા તે પ્રકારની જગ્યાએ બનાવવામાં આવે છે. આ પ્રકારના રેસ્ટારાં ટૂંકા સમય માટે જ હોય છે અને તેને પછી દૂર કરવામાં આવે છે. ચીન પછી થાઇલેન્ડમાં પ્રથમ કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા હતા પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં ત્યાં સંક્રમણના 3400 કેસ અને 58 મૃત્યુ નોંધાયા છે.