Preparation for KBC 15 begins
(ANI Photo)

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોની સાથે ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. છેલ્લા 23 વર્ષથી તેઓ જાણીતા ટીવી શો- કૌન બનેગા કરોપડતિ (KBC)નું સંચાલન કરી રહ્યા છે. હવે તેઓ કેબીસીની 15મી સિઝન લઈને આવી રહ્યા છે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતાં સોની ટીવીએ પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં આ શોમાં મોટા ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને પોસ્ટ કરેલા 15મી સિઝનના પ્રોમોમાં શોના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેઓ શોમાં કેટલાક ફેરફારની વાત કરે છે. આ વીડિયોની શરૂઆતમાં તેઓ કહે છે, બદલાઈ રહ્યું છે, જુઓ બધું બદલાઈ રહ્યું છે. વ્યાપક જ્ઞાનથી ઊંચી શાનથી બધું બદલાઈ રહ્યું છે. આ વીડિયોમાં સૌથી પહેલા એક મહિલા જોવા મળે છે. આ મહિલા લેપટોપ પર ઓનલાઈન મીટિંગ કરી રહી છે અને આ ખુરશી પર બેઠાં-બેઠાં ટેબલની નીચેથી પોતાના દીકરા સાથે ફૂટબોલ રમે છે.

વીડિયોના અન્ય એક સીનમાં એક છોકરો ટ્રાફિકમાં વસ્તુઓ વેચતો જોવા મળે છે. કારમાં બેઠેલ વ્યક્તિ આ છોકરાને કેશ આપવા જાય છે, પરંતુ તે છોકરો પોતાના હાથ પર બનેલા ક્યુઆર કોડના ટેટૂને સ્કેન કરાવીને પેમેન્ટ મેળવે છે. આ સાથે ઓનલાઈન ચાલનારા નાના-મોટા બિઝનેસની પણ વાત છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન જણાવે છે કે, કઈ રીતે લોકો મોબાઈલની મદદથી ઘરે બેઠા ફૂડ ઓર્ડર આપીને મજા કરી રહ્યા છે.

કેબીસી 15ના નવા પ્રોમોએ દેશમાં ટેકનોલોજીની મદદથી આવી રહેલા પરિવર્તનની વાત કરી છે. આ સાથે પ્રોમોમાં મૂકાયેલા લેપટોપ અને ક્યુઆર કોડ જેવા સંકેતોની મદદથી શોમાં આવનારા ફેરફાર અંગે પણ અંદાજ લગાવી શકાય છે. શોમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. સૂત્રો કહે છે કે, આ મહિનાથી કેબીસીનું શૂટિંગ શરૂ થવાનું છે અને ઓગસ્ટ મહિનાથી તેનું પ્રસારણ થશે. નવી સિઝન માટેનું રજિસ્ટ્રેશન એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, 2000ના વર્ષથી ટીવી પર આ શો આવી રહ્યો છે. પહેલી અને બીજી સિઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી હતી, જ્યારે ત્રીજી સિઝનમાં શાહરૂખ ખાને હોસ્ટની જવાબદારી નિભાવી હતી. જોકે, ત્રીજી સિઝનને વધારે ટીઆરપી નહીં મળતા અમિતાભ બચ્ચને ફરી લવાયા હતા. આમ, પાછલી 14માંથી 13 સિઝન બિગ બીએ હોસ્ટ કરી છે અને હવે તેઓ પોતાની 14મી સિઝન માટે સજ્જ થઈ ગયાં છે.

LEAVE A REPLY

11 − six =