(L-R) Sri Subhanu Saxena, Baroness Usha Prashar CBE, Sri Manmeet Singh Narang, Sri Joginder Sanger, and Cllr. P J Murphy

લંડન – યુકેમાં ભારતીય શાસ્ત્રીય કલા અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારના 50 વર્ષ પૂરા કરનાર યુકેની ભારતીય કલા અને સંસ્કૃતિની સૌથી મોટી સંસ્થા ધ ભવનના ગોલ્ડન જ્યુબિલી ઉત્સવની ઉજવણી 21મી મેના રોજ કરવામાં વી હતી. ભારતીય વિદ્યા ભવન લંડન દ્વારા સુવર્ણ જયંતિની વર્ષભરની ઉજવણીની શરૂઆત કરાઇ હતી.

ઉત્સવની ઉજવણીના સવારના સત્રની શરૂઆત ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. મત્તુર નંદકુમારની પ્રાર્થનાથી થઈ હતી. ત્યાર બાદ ભવનના બંગાળી સંગીતના નિવાસી શિક્ષિકા શ્રીમતી સજલી રોય, કર્ણાટક વોકલના શિક્ષક સંપત કુમારાચાર્ય દારુરી અને હિન્દુસ્તાની ગાયકીના શિક્ષક શ્રીમતી ચંદ્રીમા મિશ્રા દ્વારા પ્રશિક્ષિત સંગીત વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ઉદઘાટન પ્રસ્તુતિઓ રજૂ કરાઇ હતી.

આ પ્રસંગે ભવનની પ્રવૃત્તિઓને ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેમાં ભવનના વર્ગો, ઘટનાઓ અને ભવનના વિદ્યાર્થીઓ અને તેમની સિદ્ધિઓ વિશે સમજ આપવામાં આવી હતી. તે પછી બીજી ફિલ્મ એ વોક ડાઉન મેમરી લેન હતી અને તેના ન્યૂઝલેટરની હેડલાઇન્સ થી લઇને દાયકાઓ સુધીની ભવનની સફર રજૂ કરાઇ હતી.

ભવનના ડેવલપમેન્ટ ડાયરેક્ટર પેટ્રિક હોલ્ડને ભવનના ભાવિ વિશે ટૂંકમાં વાત કરી આવનારા દાયકાઓના વિઝનની રૂપરેખા આપી હતી. ભવનના અધ્યક્ષ શ્રી જોગીન્દર સેંગરે સ્વાગત પ્રવચન આપી ભવન સાથેના જોડાણની યાદો તાજી કરી હતી. હેમરસ્મિથ અને ફુલ્હામના મેયર કાઉન્સિલર પી જે મર્ફી, બેરોનેસ ઉષા પ્રાશર CBE (માનદ પ્રમુખ UK કોમ્યુનિટી ફાઉન્ડેશન)એ શ્રોતાઓને સંબોધિત કરી ભારતની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા અને લંડનની વિવિધતામાં યોગદાન આપવા માટે ધ ભવનના મહત્વપૂર્ણ કાર્યો વિશે વાત કરી હતી.

મુખ્ય અતિથિ ભારતીય હાઈ કમિશનના કોઓર્ડીનેશન મિનિસ્ટર મનમીત સિંહ નારંગ દ્વારા મુખ્ય પ્રવચન કરાયું હતું. ભવનની કારોબારી સમિતિના સભ્ય સુભાનુ સક્સેનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

દરેકે સ્થાપક ડૉ. કે.એમ. મુનશી, દલાલજી અને માથુરજીના યોગદાનને પ્રેમપૂર્વક યાદ કર્યું હતું. સવારનું સત્ર ધ ભવનના નૃત્ય વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રદર્શન અને ભોજન સાથે સમાપ્ત થયું હતું.

ભવનની સુવર્ણ જયંતિ મે 2022 – એપ્રિલ 2023 દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન ખાસ ક્યુરેટેડ પર્ફોર્મન્સ, ઇવેન્ટ્સ, વર્કશોપ અને પ્રદર્શનો સાથે ઉજવવામાં આવશે.