(ANI Photo)

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર વિરોધ પક્ષોના નેતાઓના મોબાઇલ ફોન હેક કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. કેટલાંક નેતાઓના આઇફોનમાં એપલમાંથી વોર્નિંગ મેસેજ મળ્યા પછી આ હોબાળો થયો હતો. કેટલાક સાંસદોએ સોશિયલ મીડિયા પર આવા મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું એપલ માને છે કે તમને સરકાર પ્રયોજિત એટેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેઓ તમારા Apple ID સાથે સંકળાયેલ આઇફોનને દૂરથી હેક કરી શકે છે.

રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું “તમે ઇચ્છો તે અમને હેક કરો.” “પરંતુ અમે (વિપક્ષ) તમને સવાલ કરવાનું બંધ નહીં કરીએ.”

સરકાર તરફથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે વિપક્ષી સાંસદોના સર્વેલાન્સના દાવાને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે એપલે 150 દેશોમાં આવા નોટિફિકેશન જારી કર્યા છે, જે અપૂર્ણ” ડેટા પર આધારિત છે અને કેટલાક કિસ્સામાં “ખોટા એલાર્મ” હોઈ શકે છે.

જોકે તેમણે જણાવ્યું હતું કે સરકાર “તમામ નાગરિકોની ગોપનીયતા અને સુરક્ષાની બાબતને ખૂબ જ ગંભીરતાથી લે છે અને વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. અમે એપલને કથિત રાજ્ય પ્રાયોજિત હુમલાઓની વાસ્તવિક, સચોટ માહિતી સાથે તપાસમાં જોડાવા માટે પણ કહ્યું છે.

વૈષ્ણવે કેટલાંક વિપક્ષી સાંસદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “કાયમી ટીકાકારો” તરીકે ઓળખાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ટીકાકારો વિનાશકારી રાજનીતિ કરી રહ્યા છે… જ્યારે તેમની પાસે કોઈ મુખ્ય મુદ્દો નથી, ત્યારે સર્વેલાન્સનો મુદ્દો ઉઠાવે છે. તેઓ પીએમ મોદીના નેતૃત્વમાં પ્રગતિથી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે.”

અગાઉ  કોંગ્રેસના નેતાઓ પવન ખેરા અને શશિ થરૂર, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત અનેક વિપક્ષી સાંસદોએ તેમને પ્રાપ્ત થયેલા સંદેશાઓ/ઈમેલના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા.

 

LEAVE A REPLY

11 − 7 =