આ વર્ષમાં મોટા બજેટની ચાર ફિલ્મો રજૂ થવાની હોવાથી બોલીવૂડ માટે 2026 ખાસ હશે. રણબીર કપૂર, સની દેઓલ, શાહરુખ ખાન, સલમાનખાન પોતાની ફિલ્મો રજૂ કરવા આતુર છે. પરંતુ દર્શકો અને ફિલ્મ ચાહકોમાં ચર્ચા છે કે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી આ ફિલ્મો બોક્સ ઓફિસના બિઝનેસથી પોતાનો ખર્ચ કાઢી શકશે કે નહીં.
બોર્ડર-2
આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં સની દેઓલની ‘બોર્ડર-2’ ફિલ્મ મુખ્ય છે. આ ફિલ્મ ‘બોર્ડર’ ફિલ્મની સીક્વલ છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર જાહેર થયું હતું, જેમાં વરુણ ધવન, અહાન પાડે અને દિલજીત દૌસાઝ જેવા અભિનેતાઓ દુશ્મનો સામે યુદ્ધ લડતા જોઈ શકાશે. રૂ. 150 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થશે.
‘લવ એન્ડ વોર’
વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પણ ચર્ચામાં છે. આ પ્રેમ-ત્રિકોણ આધારિત ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ રીલીઝ થશે. તેનું બજેટ રૂ. 200 કરોડ હોવાનું કહેવાય છે.
કિંગ
શાહરૂખ ખાન પોતાની પુત્રી સુહાના ખાનની સાથે એક એકશન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ‘કિંગ’ ફિલ્મમાં – રાની મુખરજી, દીપિકા પાદુકોણ, અરશદ વારસી, બોબી દેઓલ સહિત કેટલાક મોટા કલાકારો જોવા મળશે. સુહાના ખાન મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 300 કરોડથી વધુના ખર્ચે બની રહી છે. દિવાળીના દિવસોમાં ‘કિંગ’ ફિલ્મ રિલીઝ થાય તેવી સંભાવના છે.
રામાયણ
રણબીર કપૂર, સાઈ પલ્લવી અભિનિત ફિલ્મ ‘રામાયણ’ અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મ છે. આ ફિલ્મના બંને ભાગના નિર્માણ માટે રૂ. 1600 કરોડનો ખર્ચ થયો છે તેવી ચર્ચા હતી. પરંતુ ફિલ્મના નિર્માતાએ નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘રામાયણ’ના બંને ભાગના નિર્માણ પાછળ રૂપિયા 4000 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. એટલે કે, આ ફિલ્મ હોલીવૂડ કરતા પણ ખર્ચાળ ફિલ્મ હોઈ શકે છે.
‘ધુરંધર-2’
આ ફિલ્મનો પ્રથમ ભાગ ‘ધુરંધર’ હાલ દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ થયો છે. આ ફિલ્મે એક હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે સિક્વલમાં ‘ધુરંધર-2’ની રાહ જોવાઈ રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ, ધુરંધરનો બીજો ભાગ 200થી 250 કરોડના ખર્ચ તૈયાર થઈ રહ્યો છે.
‘ટોક્સિક’
કેજીએફ સ્ટાર યશનો બોલીવૂડ ફિલ્મોના દર્શકોમાં પણ જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે તેની નવી ફિલ્મ ‘ટોક્સિક’ની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ ઈદના તહેવાર પર રિલીઝ થવાની છે. ફિલ્મનું બજેટ 300 કરોડ જેટલું છે.
‘બેટલ ઓફ ગલવાન’
બોલીવૂડનો પીઢ અભિનેતા સલમાનખાન પોતાની નવી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે આ વર્ષે ‘બેટલ ઓફ ગલવાન’માં જોવા મળશે. આ ફિલ્મના નિર્માણમાં રૂ. 100 કરોડનો ખર્ચ થઇ રહ્યો હોવાની ચર્ચા છે. ફિલ્મકારોને આશા છે કે સલમાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.













