આતંકવાદી
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જમ્મુ અને કાશ્મીરમાં બિનસ્થાનિકોને ફ્લેટની ફાળવણી કરવાના સરકારના નિર્ણયની વિરુદ્ધમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)એ જમ્મુ અને દિલ્હીમાં  આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં  આ ધમકી આપી હતી.

29 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીર હાઉસિંગ બોર્ડે જણાવ્યું હતું કે તે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) મિશન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને નીચી આવક ધરાવતા જૂથ (LIG)ના બિન-સ્થાનિકોને 336 ફ્લેટની ફાળવણી કરશે.

PAFF પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદની પ્રોક્સી વિંગ છે. આ સંગઠને પૂંચ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં 5 સૈનિકો શહીદ થયાં હતાં.

આતંકવાદી સંગઠને એક નિવેદનમાં ધમકી આપી હતી કે  તે “ગેરકાયદે વસાહતીઓને બહાર કાઢવા”માં કોઈ કસર છોડશે નહીં. જમ્મુ યુદ્ધનું મેદાન બની જશે અને તેના લડવૈયાઓ જમ્મુમાં હિંસાની આગ ચાંપશે અને તેના તણખા દિલ્હી સુધી જોવા મળશે.

ગયા અઠવાડિયે ભાટા ધુરીયનના ગાઢ જંગલ વિસ્તારમાં નજીકના ગામમાં ઇફ્તાર માટે ખાદ્યપદાર્થો લઇ જતી આર્મી ટ્રક પર આતંકવાદીઓએ હુમલો કર્યા પછી પાંચ સૈનિકોના મોત થયા હતા અને એક સૈનિકને ઇજા થઈ હતી. આ સૈનિકો રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હતા. તેઓ  આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત હતાં. આ હુમલાની જવાબદારી PAFFએ સ્વીકારી હતી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે આ હુમલા પાછળ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા જૂથનો પણ હાથ હતો.

LEAVE A REPLY