U.S.-Mexico border
U.S.-Mexico border

અમેરિકા-મેક્સિકો વચ્ચેની દિવાલ કુદવાના પ્રયાસમાં ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિના કથિત મોતની ગુજરાત પોલીસે તપાસ કરી છે. આ વ્યક્તિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી દિવાલ કુદીને અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના તેના બાળક અને પત્નીને પણ ગંભીર ઇજા થઈ હતી, એમ અધિકારીઓએ શુક્રવાર, 23 ડિસેમ્બરે જણાવ્યું હતું.

યુએસ મીડિયાના કેટલાંક રીપોર્ટ મુજબ આ વ્યક્તિની ઓળખ બ્રિજકુમાર યાદવ તરીકે થઈ હતી અને તેઓ ગાંઘીનગર જિલ્લાના કલોલ તાલુકાના રહેવાસી છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં યુએસ-મેક્સિકો દિવાલ કુદવાના પ્રયાસ કરતાં પડી જવાથી મોત થયું હતું. બુધવારે (21 ડિસેમ્બર) બનેલી આ ઘટનામાં તેની પત્ની અને ત્રણ વર્ષના બાળકને ગંભીર ઊજા થઈ હતી.

કેટલાંક મીડિયા રીપોર્ટ મુજબ એક પરિવારના આ ત્રણેય સભ્યોએ ઘણી ઊંચાઈથી નીચે પટકાયા હતા. યાદવની પત્ની દિવાલની અમેરિકા બાજુ પડી ગઈ હતી, જ્યારે પુત્ર મેક્સિકન સાઇડે પડી ગયો હતો.

મીડિયા મારફત આ ઘટનાની જાણકારી મેળવીને ગુજરાતની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઇઆડી)એ તેની તપાસ ચાલુ કરી છે. એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી), સીઆઈડી – ક્રાઈમ અને રેલવે, આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે “મીડિયા દ્વારા ઘટના વિશે જાણ્યા પછી, મેં તપાસનો આદેશ આપ્યો છે અને અમારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના ડેપ્યુટી એસપીને સમગ્ર મામલાની તપાસ કરવા કહ્યું છે.”

આ વ્યક્તિ મૂળ ઉત્તરપ્રદેશ કે દિલ્હીના હોવાનુ માનવામાં આવે છે અને પરિવાર સાથે કલોલમાં રહેતા હતા. આ વર્ષના જાન્યુઆરીમાં કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના યુએસ કેનેડા બોર્ડર પર ઠંડીમાં થીજી જવાથી મોત થયા હતા. માર્ચમાં, યુએસ બોર્ડર ઓથોરિટીએ કેનેડાથી યુ.એસ.માં પ્રવેશવાના નિષ્ફળ પ્રયાસ દરમિયાન ગુજરાતના છ યુવાનોની ધરપકડ કરી હતી કારણ કે કેનેડા સરહદની નજીક સેન્ટ રેગિસ નદીમાં તેમની બોટ ડૂબી ગઈ હતી.

યાદવનો પરિવાર ડીંગુચાથી લગભગ 14 કિમી દૂર આવેલા બોરીસણા ગામનો રહેવાસી હતો. લગભગ પંદર દિવસ પહેલા તેમણે આ મુસાફરીની શરુઆત કરી હતી. તપાસ સાથે જોડાયેલા આ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા આવવા માટે આ દંપતીએ કલોલના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે તેમને ત્યાં સેટ કરી દેવાનું વચન આપ્યુ હતું. બ્રિજ કુમાર યાદવ પહેલા કલોલ GIDCમાં નોકરી કરતો હતો, પરંતુ તેણે અમેરિકા જઈને નસીબ આજમાવવાનો નિર્ણય લીધો. બ્રિજ કુમાર યાદવના પરિવાર સહિત 40 લોકો બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મેક્સિકોના તિજુઆનાથી સરહદ પાર કરીને અમેરિકાના સેન ડિયાગો જવાની તેમની યોજના હતી. આ ગ્રુપમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના હતા.

ઓફિસર જણાવે છે કે, બ્રિજ કુમાર યાદવે પોતાના દીકરાને ખોળામાં લીધો હતો અને કોંક્રીટની દીવાલ ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દીવાલ પર મેટલની પ્લેટ મૂકવામાં આવી છે અને વાયરથી ફેન્સિંગ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ અને રાજ્યની અન્ય સંસ્થાઓ મળીને લોકોને આ રીતે વિદેશ મોકલવામાં મદદ કરતા માનવ તસ્કરોની શોધમાં લાગી ગઈ છે. કેનેડાની પોલીસને ડીંગુચાના એક પરિવારના ચાર સભ્યોના મૃતદેહ અમેરિકા-કેનેડા બોર્ડર પર મળ્યા પછી રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી અને પૂરજોશમાં તપાસ શરુ થઈ હતી.

LEAVE A REPLY

twenty + 14 =