ટોકિયો ઓલિમ્પિક્સનો 8 ઓગસ્ટના રોજ સમાપન સમારંભ(PTI Photo/Gurinder Osan)

કોરોના મહામારીના પડકારો વચ્ચે 23 જુલાઈએ શરૂ થયેલા ટોકિયો ઓલિમ્પિક્સ રમતોત્વનું રવિવારે રંગારંગ કાર્યક્રમો સાથે ભવ્ય સમાપન થયું હતું. 8 ઓગસ્ટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના વડા થોમસ બાકે ટોકિયો ઓલિમ્પિક 2020ના સમાપનની ઔપચારિક જાહેરાત કરી હતી. હવે આગામી ઓલિમ્પિક 2024માં પેરિસમાં યોજાશે. ક્લોઝિંગ સેરેમનીમાં 10 ભારતીય એથ્લિટ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. ઉદ્ધાટન સમારોહમાં ખેલાડીઓએ પારંપરિક પોષાક પહેર્યા હતા અને સમાપન સમારોહમાં ટ્રેક સૂટ પહેર્યા હતા. શનિવારે બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પૂનિયાએ સમાપન સમારોહમાં ભારતીય દળની આગેવાની કરી હતી અને હાથમાં તિરંગો લઈને સૌથી આગળ ચાલ્યા હતા.

સમાપન સમારંભમાં વિશ્વભરના એથ્લીટ્સ એક સાથે મળીને ચાલે છે અને ક્ષણનો આનંદ માણે છે. આ તમામ એથ્લિટે ‘સ્ટ્રોંગ ટુગેધર’નો સંદેશ આપ્યો હતો. કુલ 11,090 એથ્લિટ્સ ટોકિયો આવ્યા હતા. વિવિધ ઇવેન્ટમાં કુલ 340 ગોલ્ડ મેડલ, 338 સિલ્વર મેડલ અને 402 બ્રોન્ઝ મેડલ ખેલાડીઓ જીત્યા હતા.

સમાપન સમારોહ એક વિડીયો સાથે શરૂ થયો હતો. જાં 17 દિવસની સ્પર્ધાનો ટૂંક સાર હતો. અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતશબાજી સાથે થઈ હતી. જેમાં આયોજકોએ તમામ લોકોનો આભાર માન્યો હતો કે જેઓએ ઓલિમ્પિક ગેમ્સને સમાપન સમારોહ સુધી પહોંચાડવામાં મદદ કરી. એ પછી જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થૉમસ બાક સત્તાવાર સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા.