ટોકિયો ઓલિમ્પિક્સના સમાપન સમારંભમાં બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પૂનિયાએ સમાપન સમારોહમાં ભારતીય દળની આગેવાની કરી હતી અને હાથમાં તિરંગો લઈને સૌથી આગળ ચાલ્યા હતા.. (PTI Photo/Gurinder Osan)

રવિવારે જાપાનના પાટનગર ટોકિયોમાં ઓલિમ્પિક્સ રમત સ્પર્ધાઓનું સમાપન થયું. આ વખતે ભારતે એક ગોલ્ડ મેડલ સાથે કુલ સાત મેડલ હાંસલ કરી દેશના માટે એક નવો ઓલિમ્પિક રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અગાઉ, 2012ની લંડન ઓલિમ્પિક્સમાં ભારતનો છ મેડલનો રેકોર્ડ હતો, જો કે તેમાં ગોલ્ડ મેડલ ભારતને મળ્યો નહોતો. હોકી સિવાય ભારત માટે ઓલિમ્પિક્સના ઈતિહાસમાં આ વર્ષે ફક્ત બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે, પહેલો ગોલ્ડ બૈજિંગમાં 2008માં શૂટર અભિનવ બિન્દ્રાએ હાંસલ કર્યો હતો.

કુસ્તીમાં રવીકુમાર દહિયા ગોલ્ડની સ્પર્ધા સુધી પહોંચી ગયો હતો, પણ સ્હેજમાં તે સોનેરી સફળતા ચૂકી જતાં તેણે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

હોકીમાં આ વખતે ભારતની પુરૂષોની ટીમે મેડલના અનેક વર્ષોના દુકાળનો અંત આણી બ્રોંઝ હાંસલ કર્યો હતો, તો મહિલા હોકી ટીમ પણ સ્હેજમાં બ્રોંઝ હાંસલ કરતાં રહી ગઈ હતી. તેમછતાં, મહિલા હોકી ટીમે છેક સુધી શાનદાર અને જાનદાર ગેમ દાખવી ચાહકોના, દેશવાસીઓના દિ

લ જીતી લીધા હતા. સેમિફાઈનલ સુધી પહોંચવાનો એક યશસ્વી રેકોર્ડ અલબત્ત ટીમે નોંધાવ્યો હતો.
ભારત માટે ટોકિયો ઓલિમ્પિક્સ વધુ એક રીતે વિશેષ યશસ્વી રહી હતી – ગોલ્ડ, સિલ્વર અને બ્રોંઝ – ત્રણે મેડલ્સ મેળવ્યા હોય તેવું આ વર્ષે પહેલી જ વાર બન્યું હતું.

એકંદરે 17 દિવસની આ સ્પર્ધાઓમાં ભારતે સાત મેડલ સાથે 48મો ક્રમ હાંસલ કર્યો હતો. ટોક્સિયો ઓલિમ્પિક્સમાં 205 દેશોના 11 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વખતે ભારતની સૌથી મોટી ટીમ સામેલ થઈ હતી અને ભારતીય ખેલાડીઓએ 18 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.

અમેરિકાએ છેલ્લા દિવસે ચીનને પાછળ પાડી દઈ ૩૯ ગોલ્ડ, ૪૧ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝ – કુલ ૧૧૩ મેડલ્સ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. બીજા ક્રમે રહેલા ચીનને ૩૮ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ – ૮૮ મેડલ મળ્યા હતા. યજમાન જાપાને ઘરઆંગણે નોંધપાત્ર દેખાવ સાથે ૨૭ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૭ બ્રોંઝ – કુલ ૫૮ મેડલ સાથે ત્રીજા ક્રમે તથા ગ્રેટ બ્રિટન ૨૨ ગોલ્ડ સાથે ચોથા, રશિયન ઓલિમ્પિક કમિટી ૨૦ ગોલ્ડ સાથે પાંચમા ક્રમે રહી હતી.

ભારતની માઈલસ્ટોન સિદ્ધિ
ટોકયો ઓલિમ્પિક ભારત માટે માઈલસ્ટોન સમાન સાબિત થયા હતા. ભારતે એથ્લેટિક્સના ઈતિહાસમાં સૌપ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. નીરજ ચોપરાના જેવલીન થ્રોને સહારે ભારતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતે મહિલા વેઇટલિફ્ટિંગમાં પણ સૌપ્રથમ વખત સિલ્વર મેડલ જીત્યો હતો. જેનો શ્રેય મીરાબાઈ ચાનુને ફાળે જાય છે. ભારતની પુરુષ હોકી ટીમે ૪૧ વર્ષ બાદ પહેલી વખત ઓલિમ્પિકમાં મેડલ (બ્રોન્ઝ) જીત્યો હતો. જ્યારે મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતુ. બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકના સિલ્વર બાદ બ્રોન્ઝ જીતી હતી અને ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની હતી. કુસ્તીમાં રવિ દહિયાએ ભારતને ૨૦૧૨ના લંડન ઓલિમ્પિક બાદ પહેલી વખત સિલ્વર મેડલ અપાવ્યો હતો. ભારત આ પહેલી વખત એક જ ઓલિમ્પિકમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીતવામાં સફળ રહ્યું હતુ. ઓલિમ્પિકમાં ભારત પહેલી વખત આટલા બધા મેડલ જીતી શક્યું છે. આ અગાઉ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં ભારત છ મેડલ જીત્યું હતુ. જેમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ હતા.