પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વની સૌથી મૂલ્યવાન 500 કંપનીઓની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની 11 કંપનીઓનો સમાવેશ થયો હતો. આ પ્રતિષ્ઠિત સૂચિમાં ભારત દેશ 10મા ક્રમે છે. 2020ના વર્ષમાં આ 11 કંપનીઓના કુલ મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો હતા અને તેમનું મૂલ્ય 805 બિલિયન ડોલર અથવા ભારતના જીડીપીના લગભગ ત્રીજા ભાગનું રહ્યું હતું.
હારૂન ગ્લોબલ 500ના રિપોર્ટ અનુસાર કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત આઇટીસી અને આઈસીઆઈસીઆઈ બેંકને બાદ કરતા આ યાદીમાં સામેલ આ કંપનીઓના વેલ્યુએશનમાં વધારો થયો હતો. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થાનિક કંપનીઓમાં ટોચ પર રહી હતી. પહેલી ડિસેમ્બર 2020 સુધીમાં કંપનીનું વેલ્યુએશન 20.5 ટકા વધીને 168.8 બિલિયન ડોલર થયું હતું. કંપની વૈશ્વિક યાદીમાં 54મા ક્રમે રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.

ભારતની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)નું મૂલ્ય વર્ષ દરમિયાન 30 ટકા વધીને 139 બિલિયન ડોલર થયું હતું. કંપની વૈશ્વિક સ્તરે 73મી અને ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. રિપોર્ટ અનુસાર, એચડીએફસી બેંકનું વેલ્યુએશન 11.5 ટકા વધીને 107.5 બિલિયન ડોલર થયું હતું,, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર 3.3 ટકા વધીને 68.2 બિલિયન ડોલર થયું હતું.

આઇટી કંપની ઈન્ફોસિસનું વેલ્યુએશન 56.6 ટકા વધીને 66 બિલિયન ડોલર થયું હતું, જ્યારે એચડીએફસી લિ. 2.1 ટકા વધીને 56.4 બિલિયન ડોલર થયું હતું. ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્કનું મૂલ્ય 16.8 ટકાના વધારા સાથે 50.6 બિલિયન ડોલર થયું હતું.

આ અહેવાલ અનુસાર આઈસીઆઈસીઆઈ બેંકનું વેલ્યુએશન 0.5 ટકા ઘટીને 45.6 બિલિયન ડોલર થયું હતું. વૈશ્વિક યાદીમાં કંપની આ યાદીમાં 316 માં ક્રમે હતી. દેશની અગ્રણી એફએમસીજી કંપની આઇટીસીનું વેલ્યુએશન 22 ટકા ઘટીને 32.6 બિલિયન ડોલર થયું હતું અને તે યાદીમાં 480 માં ક્રમે રહી હતી. એપલ 500 કંપનીઓની યાદીમાં 2,100 બિલિયન ડોલરના મૂલ્ય સાથે ટોચ પર રહી હતી. 1,600 બિલિયન ડોલર સાથે બીજા સ્થાને માઈક્રોસોફ્ટ રહી હતી. વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં 242 કંપનીઓ અમેરિકન રહી હતી જ્યારે 51 કંપની ચીન અને 30 કંપની જાપાનની હતી.