Getty Images)

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68212 કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.17 મિલિયન થઇ છે. જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 16 મિલિયને પહોંચી છે. અમેરિકામાં એક દિવસમાં મરણાંક 1067 થતાં કુલ મોતની સંખ્યા 1,46,460 થઇ છે.

બીજી તરફ બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51,000 કેસો નવા નોંધાયા છે તો મરણાંક 1211 થયો છે. બ્રાઝિલમાં કુલ કેસોની સંખ્યા 23,94,513 થઇ છે અને કુલ મરણાંક 86,449 થયો છે. એક અઠવાડિયા અગાઉ બ્રાઝિલનો મરણાંક 78,700 હતો. એક અઠવાડિયામાં આશરે 8000 કોરોનાના કેસોનો મરણાંક વધ્યો છે. સામે 1.6 મિલિયન લોકો સાજા પણ થયા છે તેમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાની સરહદે આવેલા કાઇસોંગ શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયામાંથી એક વ્યક્તિ ઉત્તર કોરિયામાં ઘૂસી આવ્યો છે. જે કોરોનાનો દર્દી છે. આ વ્યક્તિના આગમનને પગલે શુક્રવારથી લોકડાઉન લાદવામાં આવ્યું છે.

કોરિયન સેન્ટ્રલ ન્યુસ એજન્સીએ જણાવ્યું હતું કે કોરોનાનો શંકાસ્પદ દર્દી દક્ષિણ કોરિયાથી નાસીને ગયા સપ્તાહે ઉત્તર કોરિયામાં આવ્યો છે. હાલ આ વ્યક્તિ ક્વોરન્ટાઇનમાં છે. જે લોકો છેલ્લા પાંચ દિવસમાં આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ ક્વોરન્ટાઇનમાં મુકવામાં આવ્યા છે. કાઇસોંગ લોકડાઉન આ મહામારીમાં ઉત્તર કોરિયા દ્વારા લેવાયેલું પહેલું પગલું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો ઉત્તર કોરિયામાં કોરોના મહામારી ફેલાય તો તેના ગંભીર પરિણામો આવે તેમ છે કેમ કે ત્યાં આરોગ્ય સેવાનું માળખું બિસ્માર છે અને દવાઓ મળતી નથી. ચીન સાથે લાંબી સરહદ ધરાવતાં ઉત્તર કોરિયામાં કોરોનાનો એક પણ કેસ ન હોવાના દાવાને પણ તેઓ સાચો ગણતાં નથી. કાઇસોંગમાં હાલ બે લાખની વસ્તી છે. શનિવારે પોલીટ બ્યુરોની ઇમરજન્સી બેઠક બોલાવીને પ્રમુખ કિમે કાઇસોંગમાં ઇમરજન્સી જાહેર કરી હતી.

કિમે જણાવ્યું હતુ કે દુષ્ટ વાઇરસ દેશમાં પ્રવેશ્યો હોવાથી મેં આગોતરાં પગલાં ભરીને કાઇસોંગ શહેરને તમામ રીતે વિખૂટું પાડી દીધું છે. ટૂંકમાં હવે ઉત્તર કોરિયાની નેતાગીરીને પણ દેશમાં કોરોના મહામારી પ્રસરવાનો ડર લાગ્યો છે. દક્ષિણ કોરિયા આ બાબતને ઉત્તર કોરિયા કોરોનાનો દોષનો ટોપલો ચીનને બદલે સિઉલ પર ઢોળવાના પ્રયાસ તરીકે જુએ છે.