લંડનમાં સર સાદિક ખાન પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે શહેરના કન્જેશન ચાર્જમાં 20 ટકાનો વધારો કરવા અને રહેવાસીઓ માટેની ડિસ્કાઉન્ટ સ્કીમ રદ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા જાન્યુઆરીથી સેન્ટ્રલ લંડન ઝોનમાં ચોક્કસ સમયે વાહન ચલાવનારા કોઈપણ વ્યક્તિ માટે દિવસ દીઠ 15 પાઉન્ડથી વધારીને 18 પાઉન્ડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. લંડનમાં મેયર ખાનના અંતર્ગત કાર્યરત આ સંસ્થાએ ચાર્જમાં ઘણા ફેરફારો કર્યા છે, જે મુજબ તેઓ કહે છે કે, પાટનગરમાં ‘ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને સ્થાયી મુસાફરીને પ્રોત્સાહન આપશે.’ જાહેર ચર્ચાને આધીન પ્રસ્તાવો અંતર્ગત, ટ્યુબના ભાડાની જેમ દર વર્ષે કન્જેશન ચાર્જ પણ વધારવામાં આવશે. ગત વર્ષે, 2025 માટે ટ્યુબ ભાડામાં 4.6 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્યારે, જો મુસાફરી પછી ત્રીજા દિવસ સુધીમાં કન્જેશન ચાર્જ ચૂકવવામાં ન આવે તો તેનો ચાર્જ 15 પાઉન્ડથી વધીને 17.50 પાઉન્ડ વસૂલવામાં આવે છે. આ પ્રસ્તાવ હેઠળ આવી ફી વધીને 21 પાઉન્ડ થશે. આ પછી જે વાહન ચાલકો કન્જેશન ચાર્જ ચૂકવવામાં નિષ્ફળ જશે તેમને 180 પાઉન્ડથી વધુ દંડ ભરવો પડશે.
