લેસ્ટરશાયરના ભારતીય મૂળના એક શખ્સે બનાવટી રોકાણો પર ઉંચું વળતર આપવાનું વચન આપીને 24 પીડિતો સાથે મોટી રકમની ઉચાપત કરી હતી. મિતલ મહેતા નામના આ શખ્સે તેના પ્રોટીન બાર બિઝનેસમાંથી નફા અને પ્રીમિયર લીગ ફૂટબોલ મેચોની ટિકિટો ખરીદવા અને વેચવાની ખાતરી સાથે કાઉન્ટીના અનેક લોકોનો સંપર્ક કર્યો હતો.
45 વર્ષીય આ શખ્સ 2018માં એક પબમાં પ્રથમ પીડિતને મળ્યો હતો. જ્યાં તેઓ ફૂટબોલ અને સટ્ટાબાજી વિશે વાતો કરવાનું શરૂ કરે તે પહેલાં મિતલ મહેતાએ રોકાણ માટે નાણાની માગણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેનો બિઝનેસ ક્યારેય અસ્તિત્વમાં નહોતા, અને મહેતાએ આ નાણાનો ઉપયોગ પોતાને વૈભવી જીવન જીવવા માટે કર્યો હતો, તેની જુગાર રમવાની આદત પણ હતી. મહેતાના આ કૌભાંડમાં એક પીડિતે અંદાજે 40,000 પાઉન્ડ ગુમાવ્યા હતા અને તેને પોતાનો સફળ બિઝનેસ બંધ કરવાની ફરજ પડી હતી. આર્થિક તંગીના કારણે તેની પત્ની અને બાળકો તેને છોડીને જતા રહ્યા હતા અને તેનું લગ્નજીવન તૂટી ગયું હતું. શરૂઆતમાં 1,500 પાઉન્ડનું રોકાણ લઇને તેણે વિશ્વાસ કેળવ્યો હતો અને પછી વચન મુજબ 2,000 પરત આપતો હતો, ત્યારપછી મહેતાએ પીડિતો પાસેથી મોટી રકમ માગવાનું શરૂ કર્યું હતું.
ગત 23 મેના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજાની સુનાવણી દરમિયાન પીડિતો પર તેની અસર જોવા મળી હતી. કોર્ટમાં નિવેદનોમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પીડિતે પોતાનો બિઝનેસ બંધ કરતા પહેલા વેતન ચૂકવવા માટે પોતાના અને કંપનીના વાહનો વેચવા પડ્યા હતા. અન્ય એક બીમાર વ્યક્તિની 19 હજાર પાઉન્ડથી વધુની રકમ મહેતાના કૌભાંડમાં ડૂબી ગઇ હતી. મહેતાએ તેને, તેના કામ કરી ન શકવાની સ્થિતિમાં તેમના પરિવારનું ભરણ-પોષણ કરવામાં મદદ કરશે તેવું વળતર આપવાનું વચન આપ્યું હતું.
મિતલ મહેતા અગાઉ ઓડબીમાં જેમી માર્કસ વે વિસ્તારમાં રહેતો હતો. તેને ખોટા વચનો આપીને છેતરપિંડી કરવાના 21 ગુનાઓમાં દોષિત ઠેરવ્યા પછી પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેના ગુનાની પ્રથમ ફરિયાદ એપ્રિલ 2021માં નોંધાઇ હતી, જેમાં રોકાણ દ્વારા છેતરપિંડી કરવાનું કૌભાંડ અંદાજે 560,000 પાઉન્ડનું હોવાનું અનુમાન છે. લેસ્ટરશાયર પોલીસના ઇકોનોમિક ક્રાઇમ યુનિટના ડીટેક્ટિવ કોન્સ્ટેબલ સારા અસ્કમે જણાવ્યું હતું કે, ‘અમને ખુશી છે કે મહેતાએ ગુનાઓ કબૂલી લીધા હતા અને અમને આશા છે કે હવે તેઓ જેલમાં લાંબો સમય પસાર કરી રહ્યા છે, તેથી તેમને તેમના ગુનાની ગંભીરતા સમજાશે.’

LEAVE A REPLY