અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. ટ્રમ્પે વીચેટ અને અલીપે સહિતની ચીનની કંપનીઓ સાથે જોડાયેલી આઠ એપ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. આ એપ મારફત યુઝરની માહિતી ચીનમાં પહોંચતી હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો.

આ આઠ સોફ્ટવેર એપમાં વીચેટ પે અને જેક માના એંટ ગ્રુપની અલીપેનો પણ સમાવેશ થયો હતો. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે આ એપ્સ દ્વારા વપરાશકારોના ડેટા ચીનમાં પહોંચી રહ્યા હતા. આ રીતે આ એપ્સ દ્વારા ચીન જાસૂસી કરી રહ્યું હતું.

આ આદેશનો અમલ 45 દિવસ પછી થશે. જો કે એ પહેલાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી કરી નાખ્યું હશે. આ આદેશ પર હસ્તાક્ષર કરતાં પહેલા ટ્રમ્પે બાઇડન વહીવટ કરતા ગ્રુપ સાથે કોઇ ચર્ચા વિચારણા કરી ન હતી.

એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે જે આઠ એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો એ આઠ મહત્તમ ડાઉનલોડ કરવામાં આવતી હતી. અગાઉ ટ્રમ્પ સરકાર ચીનની બાઇટડાન્સની વિડિયો એપ ટીકટૉક પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે અમેરિકી કોર્ટે આ પ્રતિબંધને ગેરકાયદે જાહેર કરીને એનો અમલ અટકાવી દીધો હતો.