અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી કરતાં દેશો પર 500 ટકા સુધીની ટેરિફની જોગવાઈ કરતાં એક બિલને મંજૂરી આપી છે. આનાથી તેઓ મોસ્કો પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી અટકાવા માટે ચીન અને ભારત જેવા દેશો સામે આટલી જંગી ટેરિફ લાદી શકશે. આ બિલ પર આગામી સપ્તાહ સુધીમાં સંસદમાં મતદાન થવાની ધારણા છે.
સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું હતું કે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ સાથે તેમની બેઠક ખૂબ જ ફળદ્વુપ રહી હતી. આ દરમિયાન પ્રેસિડન્ટે મહિનાઓથી ચાલી રહેલા બંને પક્ષો સભ્યોના સમર્થન સાથેના રશિયા પ્રતિબંધ બિલને “લીલીઝંડી” આપી હતી. આ યોગ્ય સમયે થશે, કારણ કે શાંતિ માટે યુક્રેન બાંધછોડ કરી રહ્યું છે, જ્યારે પુતિન ફક્ત વાતો કરી રહ્યાં છે અને નિર્દોષોની હત્યા કરી રહ્યાં છે. આ બિલથી પ્રેસિડન્ટ ટ્રમ્પને તે દેશોને સજા કરવાની સત્તા મળશે, જેઓ સસ્તું રશિયન તેલ ખરીદે છે અને પુતિનના યુદ્ધ મશીનને ઇંધણ પુરું પાડે છે.
તેમણે જણાવ્યું હતું કે આ બિલ પ્રેસિડન્ટ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે જબરદસ્ત સત્તા આપશે, જેથી તેઓ યુક્રેન સામે પુતિનના રક્તપાત માટે નાણાં પૂરા પાડતા સસ્તાં રશિયન તેલ ખરીદવાનું બંધ કરે. તેઓ બિલ પર મજબૂત દ્વિપક્ષીય મતદાનની રાહ જોઈ રહ્યાં છે. આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં મતદાન થશે.
ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદેલી છે, જે અમેરિકાએ કોઇ દેશ પર લાદેલી સૌથી ઊંચી ટેરિફ છે. ભારત પરની આ ટેરિફમાં રશિયન ઊર્જાની ખરીદી માટે પેનલ્ટી તરીકેની 25 ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ગ્રેહામ અને બ્લુમેન્થલે રશિયા પ્રતિબંધ 2025 બિલ તૈયાર કર્યું છે. આ બિલમાં યુક્રેનમાં પુતિનના યુદ્ધને ભંડોળ પૂરું પાડતા દેશો પર ગૌણ ટેરિફ અને પ્રતિબંધોની જોગવાઈ છે.
અગાઉ 4 જાન્યુઆરીએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે ભારત પરની ટેરિફમાં વધારો કરવાની ધમકી આપતા પ્રેસિન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલની ભારતની ખરીદીથી તેઓ ખુશ નથી તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે અને વોશિંગ્ટન ખૂબ જ ઝડપથી નવી દિલ્હી પરની ટેરિફમાં વધારો કરી શકે છે.
ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી જતી વખતે એર ફોર્સ વનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ (ભારત) મૂળભૂત રીતે મને ખુશ કરવા માંગે છે. મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા માણસ છે. તેઓ જાણે છે કે હું ખુશ નથી અને મને ખુશ કરવું મહત્વપૂર્ણ છે. તેઓ વેપાર કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ. તે તેમના માટે ખૂબ જ ખરાબ હશે.
એરફોર્સ વન પર ટ્રમ્પ સાથે આવેલા યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું હતું કે ભારત પર ટ્રમ્પે ટેરિફ લાદી હોવાથી ભારતે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે. ગ્રેહામે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી કરતાં દેશોની આયાત પર 500 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ કરતાં તેમના ટેરિફ બિલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માટે પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ગ્રાહકો પર દબાણ લાવવું જ પડશે.
ગ્રહામે જણાવું હતું કે રશિયન ક્રૂડની ખરીદી માટે અમેરિકાએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી છે. હું લગભગ એક મહિના પહેલા ભારતીય રાજદૂતના ઘરે હતો અને તેઓ ફક્ત એટલી જ વાતચીત કરવા માંગતા હતાં કે તેઓ રશિયન તેલની ખરીદી ઓછી રહ્યા છે. શું તમે પ્રેસિડન્ટને ટેરિફમાં રાહત આપવાનું કહેશો?













