સરકારને નવો ‘ટેક્સી ટેક્સ’ ચૂકવવો પડે નહીં તે માટે ઉબેરે તેના ડ્રાઇવરો સાથે કરારમાં ફેરફાર કર્યો છે. નવેમ્બરના બજેટમાં જાહેર કરાયેલા ટેક્સના નિયમો અમલમાં આવ્યા પછી તે ચૂકવવાનું બંધ કર્યું હતું.
આ નિયમમાં મિનીકેબ ભાડા પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ની ચૂકવણી એડજસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે ઉબેરનું ભાડું 20 ટકા સેલ્સ ટેક્સ આધારિત થઇ ગયું હતું. ગત નવેમ્બરમાં, એક્સચેકર રશેલ રીવ્સે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, આવા ફેરફારોથી ‘દર વર્ષે અંદાજે £700 મિલિયનની ટેક્સ રેવન્યુ સલામત રહેશે.’
જોકે, જાન્યુઆરી 2026થી ઉબેર ડ્રાઇવરોને આપવામાં આવેલી નવી શરતોનો અર્થ એ છે કે, ટેકનોલોજી કંપની લંડનની બહાર ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ આપનાર તરીકે નહીં, પરંતુ તેના એજન્ટ તરીકે કાર્ય કરશે. આ ફેરફારનો અર્થ એ છે કે, ડ્રાઇવરો તેમના મુસાફરો સાથે સીધો કરાર કરે છે, તેથી તેમણે ભાડા પર બાકી રહેલો કોઈપણ વેટ વસૂલવો પડશે, જ્યારે ઉબેર ફક્ત તેના કમિશનમાં વેટને ઉમેરે છે.
મોટાભાગના ડ્રાઇવરો એક વર્ષમાં £90,000થી વધુનું બૂકિંગ કરતાં નથી અને તેથી તેમને વેટ વસૂલવાની જરૂર નથી, કારણ કે 20 ટકા સેલ્સ ટેક્સ લાગુ નહીં પડવાથી લંડનની બહાર ઉબેરનું મોટાભાગનું ભાડું વધુ મોંઘું થશે નહીં. નવો કરાર લંડનને અસર કરશે નહીં, કારણ કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડનના નિયમો અંતર્ગત એજન્સી મોડેલને મંજૂરી આપવામાં આવતી નથી. આથી પાટનગરમાં ઉબેરના મુસાફરોને ભાડા પર વેટ ચૂકવવો પડશે.













